WhatsApp down today: લોકપ્રિય સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) વિશ્વભરમાં ડાઉન થઈ ગયું છે. 28 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે શરૂ થયેલી આ સમસ્યાના કારણે હજારો યુઝર્સ મેસેજ મોકલવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડાઉન ડિટેક્ટર જેવી વેબસાઈટ પર પણ યુઝર્સે આઉટેજ (Outage) રિપોર્ટ નોંધાવ્યા છે, જેનાથી સમગ્ર મામલાની ગંભીરતા સામે આવી છે.

વોટ્સએપ ડાઉન થવાની અસર માત્ર સ્માર્ટફોન યુઝર્સ પૂરતી સીમિત નથી રહી. ઘણા યુઝર્સે ફરિયાદ કરી છે કે તેઓ તેમના કોમ્પ્યુટર અને લેપટોપ પર પણ વોટ્સએપ વેબ (WhatsApp Web) નો ઉપયોગ કરી શકતા નથી. કેટલાક યુઝર્સના વોટ્સએપ એકાઉન્ટ આપમેળે કોમ્પ્યુટર અને લેપટોપમાંથી લોગ આઉટ થઈ ગયા હતા. જેના કારણે તેઓ સંપૂર્ણપણે વોટ્સએપની સેવાઓથી વંચિત થઈ ગયા હતા.

આ અચાનક સર્જાયેલી સમસ્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. વોટ્સએપ દ્વારા પણ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જો કે, વોટ્સએપ ડાઉન થવાના કારણે યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ટ્વિટર (X) જેવા પ્લેટફોર્મ પર #whatsappdown હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું અને લોકોએ વોટ્સએપ ડાઉન થવા અંગે વિવિધ પોસ્ટ અને મીમ્સ શેર કરીને પોતાની હતાશા અને મજાક ઉડાવી હતી.

એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે યુકે (UK) માં પણ વોટ્સએપ સેવા ખોરવાઈ છે અને ત્યાંના યુઝર્સે પણ મેસેજ મોકલવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. કેટલાક યુઝર્સે એવું પણ અનુમાન લગાવ્યું છે કે આ સમસ્યા માત્ર વોટ્સએપ સુધી સીમિત નથી, પરંતુ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવી કે ફેસબુક, ટિકટોક અને મેસેન્જર પણ આઉટેજથી પ્રભાવિત થઈ શકે છે. જો કે આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો....

Skypeની સફર સમાપ્ત! માઈક્રોસોફ્ટ મે મહિનાથી Skypeને કાયમ માટે બંધ કરશે