Year in Search 2023: સોમવારે રિલીઝ થયેલા ગૂગલના 'યર ઇન સર્ચ 2023' બ્લોગ અનુસાર, આ વર્ષે દેશના લોકોએ ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતાથી લઇને ભારતના G-20 પ્રમુખપદ વિશે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કર્યું હતું. લોકોએ ગૂગલ પર ત્વચા અને વાળને સૂર્યના કિરણોથી થતા નુકસાનને રોકવા માટેની રીતો વિશે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કર્યું હતું. ઘણા લોકોએ કાર્ડિયો અને જિમને લઇને સર્ચ કર્યું હતું. નજીકમાં આવેલા બ્યુટી પાર્લર અને સ્કિન એક્સપર્ટ વિશે ગૂગલમાં સર્ચ કરાયું હતું. ઘણા લોકો યુટ્યુબ પર તેમના પ્રથમ પાંચ હજાર ફોલોઅર્સ કેવી રીતે મેળવશે તે જાણવા માટે ઉત્સુક છે.


તુર્કીના ભૂકંપ અપડેટ અને ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો


બ્લોગ અનુસાર, સમાચાર સંબંધિત શોધમાં લોકોએ કર્ણાટક ચૂંટણી પરિણામો, સમાન નાગરિક સંહિતા, સ્થાનિક વિકાસ પર સૌથી વધુ સર્ચ કર્યું. આ સિવાય ગૂગલ ન્યૂઝના ફીચર દ્વારા ઈઝરાયલ-હમાસ યુદ્ધ અને તુર્કી ભૂકંપ જેવી વૈશ્વિક ઘટનાઓને સમજવાનો પ્રયાસ કર્યો. આ વર્ષે ભારતીયોનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો ચરમસીમાએ હતો. ક્રિકેટ વર્લ્ડ કપ, ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચો સંબંધિત ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.


મહિલા ક્રિકેટ અને ફિલ્મો માટે પણ સર્ચ કરાયુ


ગૂગલના રિપોર્ટ અનુસાર, મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ, જે પ્રથમ વખત યોજાયો હતો. વિમેન્સ પ્રીમિયર લીગ સર્ચમાં આગળ હતું. ક્રિકેટ ઉપરાંત લોકોએ 'કબડ્ડીની રમત સારી રીતે કેવી રીતે રમાય', 'ચેસ ગ્રાન્ડમાસ્ટર કેવી રીતે બનવું' જેવા પ્રશ્નો પણ પૂછ્યા હતા. ફિલ્મોમાં બાર્બેનહાઇમરે વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું, ભારતીય ફિલ્મો પણ પાછળ રહી નહોતી. જવાનની સર્ચ રેન્કિંગ ફિલ્મોમાં ટોપ પર રહી. આ સિવાય ગદર 2 અને પઠાણ ટોપ ટ્રેન્ડિંગ સર્ચમાં સામેલ છે.         


દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૂગલે યર ઇન સર્ચ 2023ની યાદી બહાર પાડી છે. દર વર્ષે ડિસેમ્બરમાં બહાર પડતી ગૂગલની આ યાદીમાં ટોચના ટોપિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદી ચાર કેટેગરીમાં બહાર પાડવામાં આવી છે જેમાં ન્યૂઝ એન્ડ ઇવેન્ટ, વ્હોટ ઇઝ, હાઉ ટૂ અને નિયર પણ સામેલ છે. ન્યૂઝ એન્ડ ઇવેન્ટની લિસ્ટમાં ચંદ્રયાન-3ને ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે.