YouTube Premium: દેશમાં યુટ્યુબનો ઘણો ઉપયોગ થાય છે, પરંતુ યુટ્યુબ વીડિયો જોતી વખતે જાહેરાતો યૂઝર્સને ખૂબ જ ખલેલ પહોંચાડે છે. વળી, પ્રીમિયમ યૂઝર્સને જાહેરાત-મુક્ત વીડિઓઝ જોવાની સુવિધા મળે છે. હવે YouTube કેટલાક પસંદગીના પ્રીમિયમ યૂઝર્સને એક નવી સુવિધા આપી રહ્યું છે જેના દ્વારા તેઓ તેમના મિત્રો સાથે જાહેરાત-મુક્ત વીડિઓઝ શેર કરી શકે છે. એન્ડ્રોઇડ પોલીસના જણાવ્યા અનુસાર, તે હાલમાં યૂઝર્સને પરીક્ષણ તરીકે આપવામાં આવી રહ્યું છે. આ પરીક્ષણ હેઠળ તેઓ જાહેરાતો વિના નૉન-પ્રીમિયમ યૂઝર્સ સાથે દર મહિને 10 વીડિઓઝ શેર કરી શકે છે.

Continues below advertisement


કઇ રીતે કામ કરે છે આ ફિચર 
યુટ્યુબ પ્રીમિયમ યૂઝર્સ "Share ad-free" બટન પર ક્લિક કરીને વિડિઓની લિંક સરળતાથી શેર કરી શકે છે. જોકે, મ્યુઝિક વીડિયો, યુટ્યુબ ઓરિજિનલ્સ, શોર્ટ્સ, લાઇવ સ્ટ્રીમ્સ અને મૂવીઝ અને શો જેવી કેટલીક સામગ્રી જાહેરાતો વિના શેર કરી શકાતી નથી. જોકે, આ સુવિધાનો લાભ લેવા માટે, વિડિઓ પ્રાપ્ત કરનાર યૂઝર્સ એવા દેશમાં રહેતો હોવો જરૂરી છે જ્યાં YouTube પ્રીમિયમ સેવા ઉપલબ્ધ છે.


કયા દેશોમાં ઉપલબ્ધ છે આ સર્વિસ 
હાલમાં, આ સુવિધા ફક્ત પસંદગીના YouTube પ્રીમિયમ સભ્યો માટે જ ઉપલબ્ધ છે. આ સુવિધા આર્જેન્ટિના, બ્રાઝિલ, કેનેડા, મેક્સિકો, તુર્કી અને યુનાઇટેડ કિંગડમમાં પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ માટે પરીક્ષણ તબક્કામાં છે.


જો તમે ઉપર જણાવેલ દેશોમાંથી કોઈ એકમાં છો, તો વીડિઓના વૉચ પેજ પર જાઓ અને શેર બટન દબાવો જેથી તમે જોઈ શકો કે જાહેરાત-મુક્ત શેર કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે કે નહીં. ત્યાંથી તમે લિંક કોપી કરી શકો છો અથવા તેને એપ દ્વારા મોકલી શકો છો. તમે એ પણ જોશો કે તમારી પાસે કેટલા જાહેરાત-મુક્ત શેર બાકી છે. જો "Share ad-free" વિકલ્પ ગ્રે થઈ ગયો હોય, તો તેનો અર્થ એ કે તમે કાં તો 10 વિડિઓઝની તમારી માસિક મર્યાદા વટાવી દીધી છે, અથવા વિડિઓ આ સુવિધા માટે પાત્ર નથી.