Dharmaj Crop IPO: દેશના IPO માર્કેટમાં ઘણી કંપનીઓ થોડા મહિનાઓથી લિસ્ટ થઈ છે. તેમાંથી કેટલાકે રોકાણકારોને સારુ વળતર આપ્યું છે. 8 ડિસેમ્બર 2022ના રોજ અમદાવાદની એગ્રોકેમિકલ કંપની, ધર્મજ ક્રોપ ગાર્ડના શેરનું શાનદાર લિસ્ટિંગ થઈ શકે છે. ગ્રે માર્કેટમાં ધર્મજ ક્રોપ ગાર્ડના શેરનો ક્રેઝ છે.


IPOની કિંમત 251 કરોડ


ધર્મજ ક્રોપ ગાર્ડે તેના રૂ. 251 કરોડના IPO માટે શેર દીઠ રૂ. 216-237ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ ઈસ્યુમાં, 50 ટકા શેર ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (QIB) માટે અનામત રાખવામાં આવ્યા છે. 35 ટકા રિટેલ બિડર્સ માટે અને 15 ટકા બિન-સંસ્થાકીય પ્લેયર્સ માટે રિઝર્વ છે. આમાં લોટ સાઈઝ 60 ઈક્વિટી શેરની છે.


આ રહેશે શેરની કિંમત 


સૂત્રોના જણાવ્યા અનુસાર ધર્મજ ક્રોપ ગાર્ડનો આઈપીઓ 28 થી 30 નવેમ્બર સુધી ખુલ્લો હતો. આ પછી ગ્રે માર્કેટ પ્રીમિયમમાં વધારો જોવા મળી રહ્યો છે. ગ્રે માર્કેટમાં શેરની કિંમત રૂ. 55 થી રૂ. 65ના પ્રીમિયમ પર જોવા મળી રહી છે. તે ગુરુવારે એટલે કે 8 ડિસેમ્બર 2022ના રોજ શેરબજારમાં લિસ્ટ થઈ શકે છે.


શેરની ફેસ વેલ્યુ 10 રુપિયા


પ્રાઇસ બેન્ડના ઉપલા ભાવ પ્રમાણે ઓછામાં ઓછા 14220 રૂપિયા ખર્ચવા પડશે. શેરની ફેસ વેલ્યુ 10 રુપિયા છે. કંપની દ્વારા રૂ. 216 કરોડના ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. આ સાથે, પ્રમોટર્સ ઓફર ફોર સેલ (OFS) હેઠળ 14.83 લાખ ઇક્વિટી શેર વેચશે.


કંપની શું કામ કરે છે


કંપની 25 દેશોમાં જંતુનાશકો, ફૂગનાશકો, હર્બિસાઇડ્સ, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, માઇક્રો ફર્ટિલાઇઝર્સ અને એન્ટિબાયોટિક્સ જેવા કૃષિ રાસાયણિક ફોર્મ્યુલેશનની વિશાળ શ્રેણીની નિકાસ કરે છે. નાણાકીય વર્ષ 2021-22માં કંપનીનો નફો 37 ટકા વધીને રૂ. 28.69 કરોડ થયો છે. તેની આવક પણ વાર્ષિક ધોરણે 30 ટકા વધીને રૂ. 394.2 કરોડ થઈ છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક રૂ. 220.9 કરોડ અને નફો રૂ. 18.4 કરોડ હતો. રોકાણકારોએ GMP કરતાં કંપનીના ફંડામેન્ટલ્સ પર ધ્યાન આપવું જોઈએ.