જયપુરઃ કોરોના વાયરસનો સામનો કરવા માટે રાજસ્થાન સરકારે કમર કસી લીધી છે. રાજ્યની અશોક ગેહલોત સરકારે 31 માર્ચ સુધી રાજસ્થાનને બંધ કરવાનો આદેશ આપ્યો છે. જોકે, જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખોલવાની મંજૂરી રહેશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં આયોજીત બેઠકમાં રાજ્યને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન તમામ બજારો, સરકારી ઓફિસો બંધ રહેશે. સાર્વજનિક પરિવહનના તમામ વાહનોના સંચાલન પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, આ દરમિયાન ટેક્સ સંબંધિત કેટલીક ઓફિસો ચાલુ રહેશે. આ સંબંધમાં રાજસ્થાનના ગૃહ વિભાગે આદેશ જાહેર કર્યો છે. જેને લઇને તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના જનતા કરફ્યૂની જાહેરાત બાદ ગેહલોત સરકારે રાજસ્થાન બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

કોરોના વાયરસની અસર ભારતમાં ઝડપથી વધી રહી છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 315 થઈ ગઈ છે . જ્યારે પાંચ લોકોના મોત થયા છે.