President Draupadi Murmu Gujarat Visit: ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના વરદ હસ્તે આગામી તા.૩જી ઓકટોબરના રોજ નર્મદા જીલ્લાના રાજપીપળા જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. રાજપીપળા ખાતે નવી જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજને મંજૂરી મળતા નવિન કોલેજ અને હોસ્પિટલ રૂ. ૫૩૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ એ સમગ્ર વિસ્તારમાં સૌથી મોટી આરોગ્યપ્રદાન સુવિધા બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત કોલેજ, હોસ્પિટલ અને હોસ્ટેલનું બાંધકામ થનાર છે તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.
નર્મદા જિલ્લોએ ગુજરાતના મહત્વાકાંક્ષી જીલ્લાઓ પૈકીનો એક જીલ્લો છે તથા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, ‘Statue of Unity’ એ નર્મદા તથા તેના મુખ્ય મથક રાજપીપળાને નવી ઓળખ આપી છે. તેને હવે આવનારા વર્ષોમાં જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ તથા જનરલ હોસ્પિટલ, રાજપીપળા બીજી એક ઓળખ પણ અપાવશે. નવનિર્માણ પામનારી આ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ, રાજપીપળામાં MBBSના સ્નાતક અભ્યાસક્રમ માટે તબીબી શિક્ષણની તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ, રાજપીપળાને MBBS ના સ્નાતક અભ્યાસક્રમ માટે NMC તરફથી મંજૂરી મળેલ છે. આ અંતર્ગત દર વર્ષે કુલ-૧૦૦ વિદ્યાર્થીઓને MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત સંપૂર્ણ વ્યવસ્થા સાથે બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, ઇન્ટર્ન્સ હોસ્ટેલ, રેસીડેન્ટ હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાટર્સ પણ નિર્માણ પામશે.
નર્મદા જીલ્લામાં વસવાટ કરતી ૭ લાખની વસ્તીમાંથી લગભગ ૮૫ ટકા નાગરિકો આદિવાસી વનવાસી છે, જેમના માટે નિર્માણ પામનારી જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ, રાજપીપળા એક આશીર્વાદ સમાન બનીને રહેશે. આ હોસ્પિટલનો લાભ આજુબાજુના નાંદોદ, સાગબારા, ડેડીયાપાડા, તિલકવાડા તથા ગરુડેશ્વરના નાગરિકો તથા સીમાવર્તી રાજ્ય મહારાષ્ટ્રના નાગરિકો અને Statue of Unityની મુલાકાતે આવતા લાખો પ્રવાસીઓને મળી રહેશે. આ હોસ્પિટલનું નિર્માણ કુલ ૬ માળનું રહેશે. આ નવનિર્મિત હોસ્પિટલમાં કુલ ૫૪૦ પથારીઓની સગવડ રહેશે.
આ હોસ્પિટલ ખાતે બધા વિભાગોની ઓ. પી. ડી. સેવાઓ, દાખલ દર્દીની સેવાઓ, તમામ પ્રકારના ઓપરેશનની સેવાઓ તેમજ તમામ પ્રકારની ઈમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવશે. તે ઉપરાંત આ હોસ્પિટલમાં જનરલ ઓપીડી, મેડિસિન, સર્જરી, પ્રસૂતિ અને સ્ત્રી-રોગ, બાળકોના રોગ, હાડકાં ના રોગો, આંખના રોગ, કાન-નાક-ગળાના રોગ, માનસિક રોગ, ચામડીના રોગ, દાંતના રોગ, કસરત વિભાગ, બ્લડ બેન્ક, લેબોરેટરી, એક્સ-રે, સોનોગ્રાફી, ડિસ્પેન્સરી, રસીકરણ તેમજ ડાયાલીસીસ જેવા વિભાગ સંપૂર્ણ રીતે કાર્યરત થશે.
આ નવનિર્મિત હોસ્પિટલમાં તમામ નિષ્ણાત ડોક્ટરની સેવાઓ પૂરી પાડવામાં આવશે. તમામ સાધનો તથા સવલતોથી સંપૂર્ણ રીતે સજ્જ એવા અદ્યતન ૫ ઓપરેશન સંકુલના નિર્માણથી જટિલ પ્રકારની દરેક સર્જરી પણ સફળતાપૂર્વક પાર પડશે. અહી અદ્યતન કક્ષાના પ્રસૂતિ વિભાગના નિર્માણથી સામાન્ય અને જટિલ એવી સૌ પ્રકારની પ્રસૂતિ પણ સફળતાપૂર્વક કરાવવામાં આવશે. આ હોસ્પિટલમાં બાળરોગોની પણ પૂરેપૂરી સારવાર મળી શકશે. વળી, આ હોસ્પિટલમાં અલાયદા જરૂરી એવા તમામ સાધનો થી સજ્જ આઈ. સી. યુ., આઈ. સી. સી. યુ.એન. આઈ. સી. યુ., પી. આઈ. સી. યુ., સર્જીકલ આઈ. સી. યુ. તથા ઓબસ્ટેટ્રીક આઈ. સી. યુ. ના નિર્માણથી ગંભીર રોગો તથા પરિસ્થિતિઓમાં પણ ખૂબ જ સારી સારવાર અહી જ ઉપલબ્ધ રહેશે.
જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ શરૂ થવાથી નર્મદા જીલ્લાના અંતરિયાળ અને પર્વતીય વિસ્તારોમાં વસતા લોકોને મલ્ટી–સ્પેશિયાલિટી હોસ્પિટલને કારણે પોતાના જ જીલ્લામાં ઉચ્ચ કક્ષાની આરોગ્ય તેમજ તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે. જેથી અગાઉ સારવાર માટે દૂરના જીલ્લાઓમાં જવા-આવવાની સમસ્યામાંથી છુટકારો મળશે.