રાંચી: કૉંગ્રેસ-જેએમએમ અને આરજેડી ગઠબંધન પક્ષના નેતા હેમંત સોરેન રવિવારે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે. સૂત્રો અનુસાર, હેમંત સોરેન સાથે જેએમએમના એક નેતા, કૉંગ્રેસ ધારાસભ્ય દળના નેતા આલમગિર આલમ, ઝારખંડ કૉંગ્રેસના અધ્યક્ષ રામેશ્વર ઓરાંવ અને આરજેડીના એક માત્ર ધારાસભ્ય શપથ લેશે. રાંચીના મોરહાબાદી મેદાનમાં હેમંત સોરેન બપોરે બે વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે.


શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષ દળોના વરિષ્ઠ નેતાઓનો જમાવડો જોવા મળશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી શપથ સમારોહમાં સામેલ થવા માટે રાંચી પહોંચી ગયા છે. તેમણે હેમંત સોરેને સાથે આજે મુલાકાત કરી હતી.


હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ સામેલ થશે. કાર્યક્રમમાં સામેલ થવા માટે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, એમક સ્ટાલીન, હરિવંશ, જીતન રામ માંઝીની સહમતી મળી ગઈ છે.

આ સિવાય કૉંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. આ શપથ ગ્રહણ સમારોહમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત ઘણા નેતાઓ સામેલ થશે.

ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતૃત્વવાળા વિપક્ષ જેએમએમ-કૉંગ્રેસ-આરજેડી ગઠબંધનને 81 વિધાનસભા સીટમાંથી 47 સીટો પર જીત મળી હતી.