નવી દિલ્હી: નિર્ભયા કાંડના ચાર દોષીતો પૈકી એક વિનય શર્માએ શનિવારે રાષ્ટ્રપતિને એક અરજી કરીને ગૃહમંત્રાલએ જે દયા અરજી મોકલાવી છે તે પરત આપવા વિનંતી કરી છે. વિનયે કહ્યું હતું કે અરજી પર મારી સહી નથી તથા તે મારા દ્વારા અધિકૃત નથી.

ગૃહ મંત્રાલયે દયા અરજી પર અંતિમ સુનવણી માટે રાષ્ટ્રપતિ કોંવિદને ભલામણ મોકલી છે. સાથે કેન્દ્રએ દયા અરજી નકારવા ભલામણ કરી છે. ગૃહ મંત્રાલયે દયા અરજીની ફાઈલ અંતિમ નિર્ણય માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલાવી દીધી હતી.


આ પહેલા દયા અરજી ફગાવતા દિલ્હીના ગૃહ મંત્રી સત્યેન્દ્ર જૈને લખ્યું હતું કે, “આ ખુબજ જઘન્ય અપરાધ છે જેમાં અરજદારે ક્રૃરતા કરી છે. આ એવો કેસ છે જેમાં કડક સજા આપવી જરૂરી છે. જેથી અન્ય લોકો પણ આવો ગુનો કરતા પહેલા ડરે. અરજીમાં મેરિટ નથી. અરજી ફગાવવાની ભલામણ કરું છું. ”

ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બર, 2012ના રોજ દક્ષિણ દિલ્હીના મુનીરકામાં એક પ્રાઈવેટ બસમાં 23 વર્ષની પેરા મેડિકલ વિદ્યાર્થીની સાથે 6 લોકોએ ગેંગ રેપ કર્યો હતો. પીડિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. એક આરોપીએ જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. બાકી ચાર દોષીતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતો અને દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. 3 દોષીતોને ગયા વર્ષે સુપ્રીમ કોર્ટેના ચુકાદા સામે સામે સમીક્ષા અરજી દાખલ કરી હતી, જે નકારી દેવામાં આવી હતી. એક દોષીએ રિવ્યુ પિટીશન દાખલ કરી ન હતી.