તાપી:  તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું માંડલ ગામ જ્યાં હાઈવે પર આવેલા ટોલનાકાના સંચાલક વિરુદ્ધ કોર્ટના આદેશ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેના પર વાહનચાલકો સાથે છેતરપિંડી કર્યાનો આરોપ છે.  માંડલ ટોલનાકાથી પસાર થતાં તાપી જિલ્લાના વાહનચાલકો માટે માસિક પાસની વ્યવસ્થા કરવામાં આવી છે.  જો કે, પાસ હોલ્ડર પાસેથી રૂપિયા લીધા બાદ પણ ફાસ્ટ ટેગથી પણ પૈસા કાપી લેવાતા  એક યુવતી સાથે ટોલનાકાના સંચાલકે આ રીતે છેતરપિંડી કરતાં પોલીસને લેખિતમાં અરજી અપાઈ હતી. પરંતુ કોઈ કાર્રવાઈ ન થતાં આખરે સોનગઢ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. કોર્ટના આદેશ બાદ ટોલનાકાના સંચાલક સામે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. 


જૂનાગઢમાં કેજરીવાલે કર્યો રોડ શો


આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જુનાગઢના પ્રવાસે આવ્યા હતા.  આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢમાં આજે કેજરીવાલના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કાળવા ચોકથી આઝાદ ચોક સુધી રોડ શોનું આયોજન કરાયું હતું.  500 મીટરના રોડ શોમાં અંદાજિત 2000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા.  કેજરીવાલે  જણાવ્યું હતું કે જો આગામી ચૂંટણીમાં આપ પાર્ટીની સરકાર બનશે તો મફત વીજળી આપવામાં આવશે. આ ઉપરાંત સરકારી શાળાનું સ્તર પણ સુધારવામાં આવશે.  સાથે-સાથે આરોગ્ય સેવા પણ વધુ સારી બનાવવાની કેજરીવાલે ખાતરી આપી હતી. જુનાગઢ વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર ચેતન ગજેરાને મત આપી વિજય બનાવવા પણ કેજરીવાલે જનતા સમક્ષ અપીલ કરી હતી. 


કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે 24 કલાક વીજળી અને વીજળીનું બિલ ઝીરો આખી દુનિયામાં ક્યાંય નથી, ફક્ત દિલ્હી અને પંજાબમાં જ છે. હવે ગુજરાતમાં પણ થશે. આ જાદુ માત્ર કેજરીવાલને જ કરતા આવડે છે, બીજા કોઇને નથી આવડતું. મને ઉપરવાળા પાસેથી વરદાન મળ્યું છે. દિલ્હીની શાળાઓ વિશે જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે તમે સોશિયલ મીડિયામાં જોયું હશે, અમે દિલ્હીમાં ખૂબ જ સરસ શાળાઓ બનાવી છે, જેમાં ગરીબો અને અમીરોનાં બાળકો એકસાથે બેસીને ભણે છે.


યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત


આમ આદમી પાર્ટીએ દહેગામથી ઉમેદવાર બદલ્યા છે. યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરાઈ છે. યુવરાજસિંહને સાત બેઠકોની જવાબદારી સોંપાઈ છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી યુવરાજસિંહના નામની જાહેરાત થઈ હતી. યુવરાજસિંહના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત થતાં હાલ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.