નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં થયેલા રેપ કેસમાં પાંચ આરોપીઓને શુક્રવારે કોર્ટમાં રજૂ કરાયા હતા. સુનાવણી બાદ કોર્ટે તમામ આરોપીઓને 14 દિવસના રિમાન્ડ પર જેલમાં મોકલી દીધાં છે. પોલીસ આ મામલે તમામ આરોપીની પૂછપરછ કરી રહી છે. યોગી સરકારે જાહેરાત કરી છે કે પીડિતાનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. આ ઘટના પર પ્રિંયકા ગાંધી, અખિલેશ યાદવ સહિત તમામ મોટા નેતાઓ યોગી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.


ઉન્નાવામાં રેપ પીડિતાને પેટ્રોલ છાંટીને જીવતી સળગાવવનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પીડિતા 90 ટકા દાઝી ગઈ છે. રેપ પીડિતાની હાલત ખૂબજ ગંભીર છે. તેની સારવાર માટે લખનઉથી એરલિફ્ટ કરીને દિલ્હીના સફરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પીડિતા હાલમાં વેન્ટિલેટર પર છે. ડૉક્ટર્સનું કહેવું છે કે પીડિતાની હાલત સતત બગડી રહી છે અને તે બર્ન વોર્ડ વિભાગમાં છે.

પીડિતાએ નિવેદન આપ્યું હતું કે, ગુરુવારે સવારે 4 વાગ્યે તે રાયબરેલી જવા માટે ટ્રેન પકડવા માટે બેસવારા બિહાર રેલવે સ્ટેશન જઈ રહી હતી. ત્યારે ગોરા પાસે ગામના હરિશંકર, ત્રિવેદી, કિશોર શુભમ, શિવમ, ઉમેશે તેને ઘેરી લીધી હતી અને માથા પર લાકડી વડે અને ગળા પાસે ચાકુથી હુમલો કર્યો હતો. ત્યારે તેને ચક્કર આવી ગયા હતા અને તે પડી ગઈ હતી. આરોપીઓએ તેને પ્રેટોલ છાંટીને આગ લગાવી દીધી હતી.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ આ મામલે રિપોર્ટ માંગ્યો છે. જ્યારે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ યૂપીના ડીજીપી ઓપી સિંહને નોટિસ જાહેર કરીને બેદરકારી કરનાર અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.