વડોદરાઃ ધો-10ના વિદ્યાર્થીએ ધો-9માં ભણતાં દેવની ચાલું સ્કૂલે જ કરી નાંખી હત્યા
પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી હતી. સ્ટુડન્ટને માથા, પેટ, ગળા અને હાથના ભાગે ઘા માર્યા બાદ દિવાલ સાથે માથુ પછાડીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસમાં રહેતા લોકોના ટોળા સ્કૂલમાં એકત્ર થઇ ગયા હતા. પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, દેવ ભગવાનદાસ તડવી શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા માસી હંસાલેન અશ્વિનભાઈ તડવીના ઘરે રહેતો હતો. દેવના માતા-પિતા આણંદ જિલ્લાના બાકરોલ ગામમાં રહે છે. થોડા દિવસ પહેલા જ તેણે ભારતી વિદ્યાલયમાં ધોરણ-9માં એડમિશન લીધું હતું.
મળતી વિગતો પ્રમાણે બે દિવસ પહેલા દેવને ધોરણ દસમાં ભણતાં વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો. પોલીસને શંકા છે કે, આ ઝઘડો કરનાર વિદ્યાર્થીએ જ દેવની હત્યા કરી છે. ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. આજે બપોરના સમયે ભારતી વિદ્યાલયના શૌચાલયમાંથી દેવની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી.
ભારતી વિદ્યાલયના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, સવારની પાળી પૂરી થયા પછી બીજી પાળીના શિક્ષકો આચાર્યની ઓફિસમાં હાજરી ભરી રહ્યા હતા, ત્યારે જ ઉપરથી બૂમાબૂમ શરૂ થઈ હતી. પટ્ટાવાળાએ આવીને માહિતી આપતાં તમામ દોડીને ઉપર ગયા હતા. ત્યાં જઈને જોયું તો આ ઘટના બની ગઈ હતી. જેથી અમે પોલીસ અને 108ને તાત્કાલિક ફોન કરીને બોલાવી લીધા હતા.
સ્કૂલની દિવાલ પાસે આવેલા મંદિરની છત પરથી બે સ્કૂલ બેગમાં મળી આવી હતી. દેવની બેગમાંથી પુસ્તકો મળી આવ્યા હતા. જ્યારે હત્યારાની સ્કૂલ બેગમાંથી મટન કાપવાનો કોયતો, ચાકૂ ઉપરાંત બે પંચ અને બોટલમાંથી મરચાની ભૂકીવાળુ પાણી મળી આવ્યુ છે.
વડોદરાઃ શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલયમાં ધોરણ-9માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની ધોરણ-10માં ભણતા વિદ્યાર્થીએ હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આજે સવારે મૃતક દેવ તડવીની સ્કૂલના બાથરૂમમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ સાથે હત્યારા અને મૃતકની બેગ સ્કૂલની બાજૂની છત પરથી મળી આવી છે. હાલ હત્યારો ફરાર થઈ ગયો છે.