આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આજથી શરૂ થનારો શ્રાવણ માસ 11 સપ્ટેમ્બર 2026ના રોજ પૂર્ણ થશે. આ મહિના દરમિયાન ભોલેનાથના ભક્તો ઉપવાસ અને શિવ મંદિરોમાં જળાભિષેક કરી વિશેષ આરાધના કરશે. પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા શિવમંદિરોમાં ભગવાન શિવની મહિમા અને ગુણગાન ગવાશે. શિવાલયોમાં શ્રાવણ માસ નિમિતે વિશેષ પૂજા- અર્ચનાના કાર્યક્રમોનું આયોજન કરાઈ છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. શ્રાવણના દર સોમવારે મંદિર વહેલી સવારે 4 વાગ્યે ખૂલશે અને રાત્રે 10 વાગ્યા સુધી દર્શન માટે ખૂલ્લુ રહેશે. પ્રથમ દિવસે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરાયું. તેમજ ચારેય સોમવાર મંદિર પરિસરમાં શિવજીની પાલખીયાત્રા યોજાશે. દરરોજ સંધ્યાકાળે મહાદેવને વિવિધ મનોહર શણગાર, રંગબેરંગી ફૂલો અને ઈલેક્ટ્રિક રોશનીથી સુશોભિત કરાશે. 15મી ઓગષ્ટના સોમનાથ મહાદેવને તિરંગાનો શણગાર કરાશે.





















