Hun To Bolish : હું તો બોલીશ : આ મીઠાઈ મારી નાખશે !
તહેવારોમાં મીઠાઈ આરોગતા પહેલા થઈ જજો સાવધાન. 8 ઓક્ટોબરે રાજકોટના પુષ્કરધામ ચોક પાસેની જશોદા ડેરીમાં જીવાતવાળી મીઠાઈનું વેચાણ થતું હોવાનો ગ્રાહકે આરોપ લગાવ્યો. સોશલ મીડિયામાં વીડિયો વાયરલ થયો. જેમાં ગ્રાહક દુકાનદારને મીઠાઈના ટુકડા તોડીને જીવાત દેખાડી રહ્યો છે.. એટલું જ નહીં.. ગુસ્સે ભરાયેલા ગ્રાહકે દુકાનદાર પાસે તમામ જીવાતવાળી મીઠાઈને બહાર ફેંકી દેવાની ફરજ પાડી. એબીપી અસ્મિતાની ટીમ જ્યારે જશોદા ડેરી પર પહોંચી તો ડેરીના માલિકે બેદરકારી છુપાવવાનો પ્રયાસ કર્યો.. મીઠાઈમાં ઈયળ ન હોવાની વાત કરીને ડેરીના માલિકે વાતાવરણને લીધે બહારથી જીવાત આવી હોવાનું રટણ કર્યુ.. બીજી તરફ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ પ્રતિક્રિયા આપી કે છેલ્લા થોડા દિવસમાં તપાસ કરીને 40 કરતા વધુ ખાદ્યચીજોના સેમ્પલો લઈને પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.. ભેળસેળ હોવાનું સાબિત થશે તો વેપારી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે..
4 ઓક્ટોબરે સુરતના ઘારી વિક્રેતાઓના ત્યાં ફૂડ વિભાગ અને સુરત મહાનગર પાલિકાએ પાડ્યા દરોડા. ઘારીમાં વપરાતા હલકી કક્ષાના માવા, ઘી, ડ્રાયફ્રુટ, એડેડ કલરની તપાસ કરવામાં આવી. તમામ ધારીના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલાયા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગે શહેરના વિવિધ ઝોનમાં કુલ 15 માવા વિક્રેતાઓના સ્થળેથી 19 નમૂનાઓ લીધા અને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા.





















