Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલા સિરામિક કારખાનામાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીના જથ્થાને રાખવા માટેના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગઈકાલે બપોરે 3 વાગ્યે કોઈ અગમ્ય કારણોસર લાગેલી આ આગમાં અંદાજે 1 લાખા 60 હજાર ગુણી મગફળીનો જથ્થો સળગી ઉઠ્યો હતો. કોડીનાર, તાલાલા, ઉના, રાજકોટ સહિત જુદી જુદી 10 મંડળીઓ તરફથી મગફળી ભરીને ગાડીઓ આવતી હતી. દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં કરોડોની મગફળી બળીને ખાખ થઈ હોવાની શક્યતા છે.
જોતજોતામાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હોવાથી ફાયરની ટીમ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. 9 ફાયર ફાઈટર ઘટના સ્થળ ઉપર છે. જેમાં મોરબીના ચાર, રાજકોટના ચાર અને વાંકાનેરની એક આમ કુલ નવ ફાયર વિભાગની ટીમો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા ત્યારે 24 કલાકે આગ કાબૂમાં આવી હતી.
ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉન મેનેજર એચ.જી. રાઠોડ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા 8થી 10 દિવસથી ગોડાઉન ખોલવામાં આવ્યુ નથી. જોકે, ગોડાઉનની અંદર રાખવામાં આવેલો મગફળીના જથ્થામાં કયા કારણોસર અને કેવી રીતે આગ લાગી છે તે હાલમાં કહેવું મુશ્કેલ છે. વધુમાં ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ગોડાઉન સંપૂર્ણ સીલ હતું અને લોકોની અવરજવર પણ ત્યાં ન હતી તો આગ લાગવાની ઘટના કેવી રીતે બની તે હાલમાં એક મોટું રહસ્ય છે.