Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
રાજકોટમાં નવા મેયર આવ્યા.. અને કરોડોના વિકાસલક્ષી પ્રોજેક્ટ પર બ્રેક લાગી ગઈ... અંદાજિત 800 કરોડ રૂપિયાના કામ સ્થગિત કરવામાં આવ્યા. નવનિયુક્ત મેયરે બહાનું આપ્યું વૈશ્વિક પરિસ્થિતિનું. રાજકોટના મેયર ડોક્ટર નેકલ શુક્લએ શહેરમાં ચાલતા કામોને લઈને પ્રોગ્રેસ રિપોર્ટ માગ્યો. ત્રણેય ઝોનના સિટિ ઈજનેરો અને અધિકારીઓએ આપેલા પ્રોગેસ રિપોર્ટનો અભ્યાસ કર્યો જે પ્રોજેક્ટના 20 ટકા કરતા ઓછા કામ થયા હોય અથવા તો બે કે પાંચ ટકા જ કામો થયા હોય તેવા પ્રોજેક્ટોને હાલ સ્થગિત કરવામાં આવ્યા છે.. એટલુ જ નહીં.. જે પ્રોજેક્ટો હજુ શરૂ જ નથી થયા અને હાલમાં શહેરીજનોને જે પ્રોજેક્ટોની જરૂર નથી તેવા પ્રોજેક્ટને પણ હાલ પૂરતા સ્થગિત કરવામાં આવ્યા છે.. જેમાં માધવરાવ સિંધિયા સ્ટેડિયમ, જ્યુબિલી શાક માર્કેટ, વર્કિંગ વુમન હોસ્ટેલ, એનિમલ હોસ્ટેલ, લાયબ્રેરીની કામગીરી અટકાવવામાં આવી છે.. તો સિટી ઈજનેરોએ આપેલ બાકીના કામોના રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ કયા કામો ચાલુ રાખવા અને કયા કામો આવતા વર્ષે શરૂ કરવા તે અંગે મેયર ડોક્ટર નેહલ શુક્લ આગામી દિવસોમાં નિર્ણય કરશે.
ચૂંટણી પહેલાં વિકાસના વાયદાઓ થયા. જેવી જ ચૂંટણી પતી એટલે વૈશ્વિક પરિસ્થિતિનું બહાનું આપી કામગીરી અટકાવવામાં આવી. રોડ રસ્તા, ગટર, પાણી, આરોગ્યની સુવિધા.. આ બધી પ્રાથમિકતા જ હોય. જે કામગીરી પર હાલ બ્રેક લગાવવામાં આવી અથવા તો સમીક્ષા આપને કરવી છે.. તો શું અગાઉ જે પણ સત્તાધીશોએ આ કામગીરી સોંપી હતી તે ખોટી હતી ?.. કા તો પછી તમારે તમારા કોન્ટ્રાક્ટરને આ કામગીરી સોંપી ફાયદો કરાવવો છે. એટલે કામગીરી પર બ્રેક મારી. કરકસર કરવા જ હોય અને બચત કરવી જ હોય તો. તમારા અધિકારીઓને કહો કે, પેટ્રોલ ડીઝલ બચાવે.. રાજકોટમાંથી હજુ સુધી કોઈ પણ અધિકારીએ કાર પુલિંગનો નિર્ણય નથી કર્યો.
ખેર... સત્ય શું છે આ વિકાસના કામો રોકવા પાછળ.. અને મેયર સાહેબને શું મનમાં ચાલે છે તે તો તેજ જાણે... પણ મારા રાજકોટની જનતા વિકાસથી વંચિત ન રહે...તે માટે આજે મારે આ શો કરવો પડે છે.... મળતિયાઓને કામ મળે તે માટે જો આ નિર્ણય હોય તો તે સદંતર નફ્ફટાઈ છે.
તો આ તરફ રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરી પદ પરથી ધવલ જેસડિયાને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને પૂર્વ સેક્રેટરી હરેશ રૂપારેલિયાની ફરીથી નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ધવલ જેસડિયાને ડેપ્યુટી સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. નવા મેયર નેહલ શુક્લ અને ધવલ જેસડિયા વચ્ચે જૂની રાજકીય અદાવત હોવાનું સામે આવ્યું છે. અગાઉ, જ્યારે જેસડિયા સેક્રેટરી પદ પર હતા ત્યારે તેમણે સળંગ ત્રણ જનરલ બોર્ડમાં ગેરહાજર રહેવા બદલ તત્કાલીન કોર્પોરેટર અને વર્તમાન મેયર નેહલ શુક્લને સભ્યપદેથી બરતરફ કરવા માટે નોટિસ ફટકારી હતી.... નેહલ શુક્લએ આ મામલે લુલો બચાવ પણ કર્યો છે... કે હરેશ રૂપારેલિયાની અરજીને ગ્રાહ્ય રાખી તેમને પરત લેવામાં આવ્યા છે...






















