Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
ચોમાસું આવે તે પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના 25 અન્ડરપાસમાં પાણી ભરાઈ જવાની સંભાવના હોવાની નોટિસ જારી કરી. સ્ટેડિયમ અન્ડરપાસ, ઉસ્માનપુરા અન્ડરપાસ, અખબારનગર, નિર્ણયનગર, પરિમલ ગાર્ડન, કુબેરનગર, મીઠાખળી અને ચાંદલોડિયા તળાવ પાસેના અન્ડરપાસ સહિત અનેક મુખ્ય અન્ડરપાસ આ યાદીમાં સામેલ છે... આશ્ચર્યની વાત એ છે કે માત્ર ત્રણ વર્ષ પહેલાં જ બનેલા જલારામ અન્ડરપાસમાં પણ પાણી ભરાવાની સ્થિતિ બની શકે તેમ છે. જો કે બાદમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આજે સ્પષ્ટતા કરી કે આ નોટિસ પ્રિ-મોન્સૂન તૈયારીના ભાગરૂપે દર વર્ષે જાહેર કરવામાં આવે છે. તેનો હેતુ જવાબદારીમાંથી છટકવાનો નથી, પરંતુ નાગરિકોને સમયસર સચેત કરવાનો છે. શહેરના અન્ડરપાસોમાં ઓટોમેટિક બૂમ બેરીયર લગાવવામાં આવ્યા છે, જે પાણી ભરાતાં આપોઆપ બંધ થઈ જાય છે. તેમ છતાં કેટલાક લોકો બેરીયર તોડીને અથવા ઓળંગીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં લપસી જવા, કાદવમાં ફસાઈ જવા અને અકસ્માતની શક્યતા વધી જાય છે... ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. તેથી જનસુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નોટિસ જારી કરવામાં આવી છે...






















