Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?

Continues below advertisement

ગુજરાત મેડિકલ કાઉન્સિલે મેડિકલ જગતમાં ભારે ખળભળાટ મચાવતો એક મોટો નિર્ણય લીધો છે. મેડિકલ એથિક્સના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવા બદલ રાજ્યના ત્રણ જાણીતા ચામડીના રોગના નિષ્ણાત ડોક્ટરો સામે લાલઆંખ કરવામાં આવી છે. કાઉન્સિલે આ ત્રણેય ડોક્ટરોને આગામી 13 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે અને આ સમયગાળા દરમિયાન તેમનું મેડિકલ રજિસ્ટ્રેશન પણ રદ કરી દેવામાં આવ્યું છે. સસ્પેન્ડ કરાયેલા ડોક્ટરોમાં સુરતના બે અને અમદાવાદના એક ડોક્ટરનો સમાવેશ થાય છે. 30 જૂનના રોજ મળેલી કાઉન્સિલની જનરલ બોડી અને એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં આ કડક નિર્ણય લેવાયો છે. ફાર્મા કંપનીઓની સ્પોન્સરશિપ પર વિદેશ પ્રવાસે જતા તબીબો સામે મેડિકલ કાઉન્સિલની આ ઐતિહાસિક અને દાખલારૂપ કાર્યવાહી માનવામાં આવી રહી છે.

ગુજરાત મેડિકલ કાઉન્સિલે જે ત્રણ તબીબો સામે શિસ્તભંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં મેડિકલ ક્ષેત્રના જાણીતા ચહેરાઓ સામેલ છે. સુરતના જાણીતા ડર્મેટોલોજિસ્ટ ડો. જગદીશકુમાર સખિયા અને સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. અમી શાહ સાથે જ અમદાવાદના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. ગીતા પટેલ. કાઉન્સિલે આ ત્રણેય ડોક્ટરો સામે લાગેલા આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી આ આકરો નિર્ણય લીધો છે.

આ વિવાદ વિદેશ પ્રવાસના ફંડિંગ સાથે જોડાયેલો છે. આ ત્રણેય તબીબો વર્ષ 2014 અને 2024 દરમિયાન ફ્રાન્સના પેરિસ ખાતે યોજાયેલી એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મેડિકલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ગયા હતા. જોકે, આ આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન તેમની એર ટિકિટ, લક્ઝુરિયસ હોટેલમાં રહેવાનો તેમજ મોંઘા ભોજન સહિતનો તમામ આર્થિક ખર્ચ એબવી હેલ્થકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ અને બાયોટેક કંપનીએ ઉઠાવ્યો હતો.

ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કડક નિયમો અનુસાર, કોઈપણ રજિસ્ટર્ડ ડોક્ટર ફાર્માસ્યુટિકલ, મેડિકલ ડિવાઇસ કે બાયોટેક કંપનીઓ પાસેથી કોઈ પણ પ્રકારની સ્પોન્સરશિપ, મોંઘી ભેટ-સોગાદો, આર્થિક લાભ કે વિદેશ પ્રવાસની ટિકિટો સ્વીકારી શકે નહીં. કંપનીઓ દ્વારા ડોક્ટરોને આવી સુવિધાઓ આપીને પોતાની પ્રોડક્ટ્સ પ્રમોટ કરાવવાનો ખેલ ચાલતો હોય છે, જેને કાઉન્સિલ ગંભીર ગેરરીતિ અને વ્યાવસાયિક આચારસંહિતાનો ભંગ ગણે છે. આ કેસમાં પણ નિયમોનો સ્પષ્ટ ભંગ થતાં કાઉન્સિલે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે.

ગુજરાત મેડિકલ કાઉન્સિલના આ આકરા આદેશને પગલે હવે આગામી 13 મહિના સુધી ડો. જગદીશ સખિયા, ડો. અમી શાહ અને ડો. ગીતા પટેલ દેશમાં ક્યાંય પણ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી શકશે નહીં. તેઓ પોતાના ક્લિનિક કે હોસ્પિટલ પર ડોક્ટર તરીકેનું બોર્ડ લગાવી શકશે નહીં તેમજ તબીબી વ્યવસાય સંબંધિત કોઈ પણ કાનૂની અધિકારનો દાવો કરી શકશે નહીં. સસ્પેન્શનનો આ 13 મહિનાનો નિર્ધારિત સમયગાળો પૂર્ણ થયા બાદ, તેઓ નિયમો અનુસાર કાઉન્સિલ સમક્ષ પુનઃ રજિસ્ટ્રેશન કરાવીને પોતાની મેડિકલ પ્રેક્ટિસ ફરી શરૂ કરી શકશે. કાઉન્સિલની આ કાર્યવાહીથી દર્દીઓના ભોગે ફાર્મા કંપનીઓની મહેમાનગતિ માણતા અન્ય તબીબોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

દેશના 9 રાજ્યોમાંથી અંદાજે 30 જેટલા હેલ્થકેર પ્રોફેશનલ્સ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ફ્રાન્સના પેરિસ ગયા હતા. આરોપ છે કે, આ વિદેશ પ્રવાસનો તમામ ખર્ચ એબવી હેલ્થકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની બાયોટેક કંપની દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં પ્રતિ સહભાગી 1 લાખ રૂપિયાથી વધુનો પ્રવાસ અને આતિથ્યનો લાભ આપવામાં આવ્યો હતો. નેશનલ મેડિકલ કમિશન સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ તપાસ હાથ ધરાઈ હતી. આદેશ મુજબ ડોક્ટરો ઈચ્છે તો નેશનલ મેડિકલ કમિશન સમક્ષ આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરી શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola