Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયાઓનું પાંજરું !
ગુજરાતના બે એવા ગામ કે જેમાં વ્યસનમુક્તિ અને દારૂની બદીને જડમૂળથી ઉખેડી નાખવા ગ્રામજનોએ અનોખો નિર્ણય કર્યો છે.
પહેલા વાત મહેસાણાના પાન્છા ગામની કરી લઈએ. મહેસાણાથી 50 કિલોમીટર દૂર ખેરાલુ તાલુકામાં આવેલું છે પાન્છા ગામ. અંદાજે 3500થી વધુ જનસંખ્યા ધરાવતા આ ગામમાં કેટલાક લોકો દેશી દારૂના રવાડે ચડી જતા ગ્રામસભામાં એક નિર્ણય લેવાયો. જે અંતર્ગત ગામમાં એક વિશેષ 'પાંજરૂં' બનાવવામાં આવ્યું છે. આ પાંજરૂ બનાવવા પાછળનો ઉદ્દેશ છે કે, જો કોઈ વ્યક્તિ જાહેરમાં દારૂ પીતા અથવા નશો કરેલી હાલતમાં પકડાય તો તેને પોલીસના હવાલે કરવામાં ન આવે ત્યાં સુધી ગામમાં બનાવેલા આ પાંજરામાં પૂરવામાં આવશે. જેથી સામાજિક ક્ષોભ અને કડક કાર્યવાહીના ડરથી લોકો દારૂ પીવાનું બંધ કરે. એટલું જ નહીં, રાત્રે 11 વાગ્યા પછી જાહેર ચોક, મંદિર કે મસ્જિદ જેવા જાહેર સ્થળોએ બેસવા પર પ્રતિબંધ મૂકાયો છે. સમગ્ર ગ્રામજનોએ એકજૂથ થઈને આ નિર્ણય લીધો. ગ્રામજનોનું કહેવું છે કે, છેલ્લા 2 વર્ષમાં 5 જેટલા યુવકોનું દારૂ પીવાના કારણે મૃત્યુ થયું છે. જેને લઈને કોઈ પણ યુવાન કે વડીલ આ વ્યસનનો ભોગ ન બને તે હેતુથી આ નિર્ણય લીધો છે. ગામના મહિલા સરપંચ શાંતાબેન ચૌધરીની અધ્યક્ષતામાં ગામમાં વિવિધ સમિતિઓ પણ બની છે....જેમાં નશાબંધી સમિતિ પણ બનાવવામાં આવી છે.
મહેસાણાના પાન્છા જેવો જ નિર્ણય વર્ષ 2017માં અમદાવાદ જિલ્લાના સાણંદથી 10 કિલોમીટર દૂર આવેલા મોતીપુરા ગામમાં પણ લેવાયો હતો. અંદાજે 2200ની વસ્તી ધરાવતા આ ગામમાં પહેલા દરેક ઘરમાં દારૂનું વ્યસન હતું. ગામમાં દારૂના કારણે 175 જેટલી મહિલાઓ વિધવા બની હતી. જ્યારે દરેક ઘરમાં પુરૂષો દારૂના રવાડે ચડીને ઘરમાં પૈસા પણ આપતા નહોતા, જેથી મહિલાઓ કંટાળી ગઈ હતી. જેથી આ ગામના સરપંચ અને આગેવાનોએ એકઠા થઈને એક નિર્ણય લીધો જેમાં દારૂનું સેવન કરીને આવે તેને એક દિવસ પાંજરામાં રાખવામાં આવે અને તેની પાસેથી 1200 રૂપિયાનો રૂપિયા દંડ પણ વસૂલવામાં આવતો હતો. એટલું જ નહીં એક દિવસ માટે જમવાનું પણ આપવામાં આવતું નહોતું. માત્ર પાણી જ આપવામાં આવતું હતું....જેના કારણે ધીમે ધીમે લોકોએ શરમ અને સજાના ડરથી દારૂનું સેવન બંધ કરી દીધું અને 2019ની શરૂઆત સુધીમાં સમગ્ર ગામ વ્યસનમુક્ત બની ગયું....નશાબંધી વિભાગ મારફતે આ ગામને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું....






















