Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું દૂષણ, પોલીસનું પાપ?
ગઈકાલે મહેસાણાના વિજાપુર તાલુકાના રણસીપુર ગામે દેશીદારૂના અડ્ડા પર પડી જનતા રેડ. અને સ્થાનિકોએ સ્થળ પર જ દારૂનો નાશ કર્યો.. ગામમાંથી દારૂના દુષણને ડામવા ગ્રામજનોએ રેડ પાડી. જનતા રેડથી લાડોલ પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. સ્થાનિકોએ કરેલી રેડ બાદ લાડોલ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી. અને સ્થળ પરથી દારુ ન મળ્યાનો પોલીસે દાવો કર્યો. લાડોલ પોલીસ સ્ટેશનના PIએ જનતા રેડની વાતને સદંતર ખોટી ગણાવી પોલીસ પર હપ્તા લેવાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા.
ગાંધી જયંતિના દિવસે એટલે 2 ઓક્ટોબરે ખેડા જિલ્લાના કાણીયલ ગામના નાગરિકોએ લીધી ગામને નશામુક્ત બનાવવાની પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા લેતાની સાથે જ ગ્રામજનોએ ગામમાં વિદેશી દારૂના અડ્ડા પર કરી જનતા રેડ. સરપંચ સહિતના ગ્રામજનોએ વિદેશી દારુ અને બિયરનું વેચાણ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલો, બિયર સહિતનો જથ્થો મળતા ગ્રામજનોએ કઠલાલ પોલીસને જાણ કરી. પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને દારુ અને બિયરનો જથ્થો જપ્ત કરીને આરોપીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી..
આજે દારૂના દૂષણને ડામવા ભાવનગરના સરતાનપર ગામના લોકો રસ્તા પર ઉતર્યા. મોટી સંખ્યામાં ગ્રામજનો ભાવનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા. અને ગામમાં ધમધમતા દારૂના અડ્ડાને બંધ કરાવવાની રજૂઆત કરી. રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓએ આરોપ લગાવ્યો કે, દારૂના દુષણથી ગામની 600થી વધુ મહિલાઓ વિધવા બની. અગાઉ અનેક વખત રજૂઆત કરી. છતાં પોલીસ કોઈ કડક કાર્યવાહી કરતી નથી. પોલીસ કાર્યવાહી કરવા આવે એટલો સમય દારૂના અડ્ડા બંધ રહે છે.. અને બાદમાં ફરીથી દારૂના અડ્ડા ધમધમવા લાગે છે. ગામના સરપંચે કલેક્ટરને વિધવા બનેલી મહિલાઓની યાદી આપીને દારૂના દુષણને ડામવા રજૂઆત કરી.. કલેક્ટરને રજૂઆત કર્યા બાદ ગ્રામજનો ભાવનગર એસપીને પણ રજૂઆત કરવા પહોંચ્યા.. ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી કે, સરતાનપરમાં મોટાભાગના પરિવારો મજુરી અને માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. દારૂના દુષણથી ગામમાં ભાગ્યે જ 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ જોવા મળે છે. 30 ટકા મહિલાઓએ તો નાની ઉંમરમાં જ પતિને ગુમાવ્યા છે. જેથી હવે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેઓ મજુરી કરવા માટે મજબુર બન્યા છે. ગ્રામજનોનો તો એવો પણ આરોપ છે કે દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો એટલા બેખોફ બની ગયા છે કે વારંવાર તેઓ હુમલા પણ કરે છે.





















