Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
તમે સવારે જે દૂધ પીઓ છો... પૂજામાં જે ઘી ચઢાવો છો... અને રાત્રે જે "નશો" કરો છો... શું એ ત્રણેય... ખરેખર... અસલી છે? જવાબ ચોંકાવનારો છે. કારણ કે ગુજરાતમાં આજે ઘી, દૂધ અને દારૂ - ત્રણેય ક્ષેત્રે ભેળસેળનું એવું સામ્રાજ્ય ઊભું થયું છે, જેની વિગતો તમને હચમચાવી નાખશે.
અમદાવાદમાં AMCના આરોગ્ય વિભાગે ફરી એકવાર દરોડા પાડીને નકલી ઘીનું એક મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સાબરમતીના રામનગર વિસ્તારમાં આવેલી પટવા બિલ્ડિંગની અંદર 'ઋષભ ઘી ભંડાર' નામે ચાલતા એકમ પર કાર્યવાહી કરીને આરોગ્ય વિભાગે પામોલિન તેલની ભેળસેળવાળો આશરે 1768 કિલો નકલી ઘીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ નકલી ઘીને 'અગ્નિ પ્યોર દેશી ઘી' અને 'નોવા પ્યોર દેશી ઘી' જેવા નામો હેઠળ 15 કિલોના ડબ્બામાં પેકિંગ કરીને બજારમાં ખુલ્લેઆમ વેચવામાં આવતું હતું. દરોડા દરમિયાન સઘન તપાસ કરતા સામે આવ્યું છે કે આ નકલી ઘીનું મૂળ ઉત્પાદન ઇન્દોરમાં થતું હતું. આ બાબત પ્રકાશમાં આવતા જ AMCએ તાત્કાલિક ધોરણે ઇન્દોર કોર્પોરેશનને જાણ કરીને આગળની કાયદેસરની તપાસ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હવે વાત કરીએ દૂધની... જે આપણે બાળકોને પણ પીવડાવીએ છીએ.. જૂનાગઢ જિલ્લામાંથી ભેળસેળયુક્ત દૂધ અન્ય વિસ્તારમાં જતું હોવાની બાતમીને આધારે રાજકોટ ગ્રામ્ય SOG અને LCBની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને દૂધમાં ચાલતી ભેળસેળનો પર્દાફાશ કર્યો છે. ગત રાત્રિના સમયે જૂનાગઢથી રાજકોટ તરફ આવી રહેલા એક ટેન્કરને રસ્તામાં જ આંતરીને પોલીસે દરોડો પાડ્યો હતો. ટેન્કરની તલાશી લેતા તેમા ઉપર તેલ તરતું હોય તેવુ દૂધ જોવા મળ્યું હતું. આ કામગીરી દરમિયાન ભરત મામૈયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો, અંદાજે રૂ. 2.70 લાખની કિંમતનો 5400 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરતા, અધિકારીઓએ દૂધના સેમ્પલ લઈને ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન આ દૂધ માનવ વપરાશ અને ખાવાલાયક ન હોવાનો ખુલાસો થયો હતો. આથી આરોગ્ય માટે જોખમી એવા આ ભેળસેળયુક્ત દૂધના સમગ્ર જથ્થાનો ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ વંઠલી તાલુકાના ચાંપોદર ગામની અલખધણી ડેરીમાંથી દૂધ ભરેલું ટેન્કર રવાના કરી સુરેન્દ્રનગરના મૂળી તાલુકાની પંચાલ ડેરીમાં મોકલવાનું હતું.
હવે... સૌથી ખતરનાક ક્ષેત્ર - દારૂ...જ્યાં ભેળસેળ ફક્ત "સ્વાસ્થ્ય માટે નુકસાનકારક" નથી... ત્યાં ભેળસેળ જીવલેણ સાબિત થાય છે. આમ તો રાજ્યમાં દારૂબંધી છે, દારૂ વેચાણ અને તેના સેવન પર પ્રતિબંધ છે. પરંતુ અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં બ્રાન્ડેડ અને મોંઘા પ્રીમિયમ દારૂની આડમાં સસ્તો માલ તૈયાર કરવાનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શહેર PCB પોલીસે 1 ઓગસ્ટના રોજ શાહપુરના હલીમની ખડકી પાસે આવેલી મઢવાળાની પોળમાં દરોડા પાડ્યા હતાં. જ્યાંથી પોલીસે 1 લાખ કિંમતની 227 નંગ ભારતીય બનાવટની વિદેશી દારૂની શીલબંધ બોટલો, 127 વિદેશી દારૂની બ્રાન્ડેડ ખાલી બોટલો, 100 નંગ વિદેશી દારૂની બ્રાન્ડેડ ખાલી બોટલોના બુચ, 118 નંગ વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલોના સ્ટીકર, 1 હેર ડ્રાયર, 5 નંગ અલગ-અલગ ફ્લેવર, 5 મોબાઇલ અને 11 હજાર રોકડ રકમ જપ્ત કરી છે. ઝડપાયેલા આરોપીઓ હલકી ગુણવત્તાના અને સસ્તા વિદેશી દારૂમાં વિવિધ પ્રકારની ફ્લેવરો ઉમેરતા હતા. આ ફ્લેવર મિક્સ કર્યા બાદ તેને પ્રખ્યાત અને મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની ખાલી બોટલોમાં ભરવામાં આવતો હતો. ત્યારબાદ બોટલ પર અસલી દેખાય તેવા નકલી સ્ટીકર અને બુચ લગાવીને હેરડ્રાયરની મદદથી પેકિંગ કરવામાં આવતું હતું. આ હલકી ગુણવત્તાવાળા દારૂને ઊંચી બ્રાન્ડના નામે ગ્રાહકોને વેચવામાં આવતો હતો. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે નકલી દારૂનું કારખાનું વિક્કી ઉર્ફે મંગો ફરાર છે, જેના ઘરમાં જ નકલી દારૂનો કારોબાર ચાલતો હતો. પકડાયેલા શખ્સોને પગાર પર રાખીને આ ગેરકાયદેસર ધંધો કરાવતો હતો. વિક્કી વિરુદ્ધ અગાઉ પણ ગેરકાયદેસર દારૂ વેચવાના ગુના નોંધાયેલા છે. હાલ પીસીબી પોલીસ દ્વારા ફરાર મુખ્ય આરોપી વિક્કીને ઝડપી પાડવા માટે વિશેષ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મુખ્ય આરોપીની ધરપકડ બાદ સસ્તો દારુ ક્યાંથી લાવવામાં આવતો હતો તેની વિગતે સામે આવશે.