Hun To Bolish | હું તો બોલીશ | કાગળ પર શહેરોના બજેટ ?
છેલ્લા અઠવાડિયા -દસ દિવસથી રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશ્નરો આગામી નાણાકીય વર્ષ માટેના જેતે શહેરના સૂચિત અંદાજપત્રો એટલે કે બજેટનો ડ્રાફ્ટ રજૂ કરી રહ્યા છે. અત્યારસુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાનું 2026-27 માટે 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ ,રાજ્યના પાટનગર ગાંધીનગરનું મનપાનું 1903 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું.
સુરત મહાનગરપાલિકાનું 2026-27 માટે 10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ, વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું 2,455 કરોડનું ડ્રાફ્ટ બજેટ,રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું 3,595 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું.
અમદાવાદ કોર્પોરેશનના બજેટમાં રોડ અને પેડેસ્ટ્રિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મૂકાયો છે. રોડ–રસ્તાના વિકાસ માટે કુલ 865 કરોડ ફાળવવામાં આવ્યા.આઈકોનિક રોડ-08 માટે 250 કરોડ અને મોડેલ રોડ-13 માટે પણ 250 કરોડ ફાળવવામાં આવ્યા. પણ આ પહેલાના બજેટમાં અમદાવાદ શહેરમાં સાત સ્થળોએ આઇકોનીક રોડ બનાવવાની જાહેરાત કરાઈ હતી. એરપોર્ટથી હાંસોલ જવાના માર્ગ તૈયાર કરાયા બાદ શહેરના સાત ઝોનમાં 350 કરોડના ખર્ચે કુલ 21 કિલોમીટરના સાત આઇકોનીક રોડની જાહેરાત કરાઈ હતી.























