Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
પાલનપુરના ખરોડિયા ચોકડી નજીક એસટી બસ અને ઓટોરિક્ષા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ઓટોરિક્ષામાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ભાવનગર- મહુવા નેશનલ હાઈવે પર એસ.ટી બસ અને ટુ-વ્હીલર વચ્ચેના અકસ્માતમાં સગીરને ગંભીર ઈજાઓ થઈ હતી. ઉમણીયાવદર ગામ નજીક બન્યો હતો બનાવ. વડોદરાના ફતેગંજ બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી, એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં યુવતીનું મોત નીપજ્યું હતું, અકસ્માત બાદ બસ ચાલક સ્થળેથી ફરાર થયો હતો. ખેડા ઠાસરામાં ડાકોર ઉમરેઠ રોડ પર લક્ઝરી બસ અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર 20 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે જૂનાગઢ કેશોદના સોંદરડા રોડ પર વેરાવળથી જામનગર જતી એસટી બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા વૃક્ષ સાથે અથડાઈ હતી. બસમાં સવાર 20થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
સુરેન્દ્રનગરના પાટડીનું બસ સ્ટેશન હાલ મુસાફરો માટે નહીં, પરંતુ રખડતાં પશુઓ માટેનું આશ્રયસ્થાન બની ગયું છે! બસો અને મુસાફરોની જગ્યાએ માત્ર અસંખ્ય પશુઓનો જ અડ્ડો જોવા મળી રહ્યો છે. ગુજરાત એસ.ટી. નિગમે લાખો રૂપિયાના ખર્ચે આ બસ સ્ટેન્ડ મુસાફરોની સુવિધા માટે બનાવ્યું હતું, પરંતુ આજે સ્થિતિ એવી છે કે આ કોઈ પશુઓનો તબેલો છે કે બસ સ્ટેન્ડ—તે ઓળખવું મુશ્કેલ બની ગયું છે. આટલું જ નહીં, કેટલાંક સ્થાનિક પશુપાલકોએ તો બસ સ્ટેન્ડના પરિસરમાં જ ઉકેડા અને ગંદકી ખડકી દીધી છે. મહત્વનું છે કે, આ પાટડી બસ ડેપોનું સંચાલન વિરમગામ ડેપો હસ્તક આવે છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા 'સ્વચ્છતા ઝુંબેશ' અને મોટી-મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ વિરમગામ ડેપોના હલકી કક્ષાના સંચાલનને કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બસ સ્ટેન્ડની આ હાલતને લઈને ધારાસભ્ય પરષોત્તમભાઈ પરમારે 21 જુલાઈના રોજ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. જેમાં તેમણે આ બસ સ્ટેશનનું નવીનીકરણ કરવાની માગ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાનુ પાટડી તાલુકા સેન્ટરે આવેલ એસ.ટી. બસ સ્ટેશન 35 વર્ષ પહેલા બનેલ છે. અને હાલ જર્જરીત તેમજ જોખમી બનેલ છે. બસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં કચરા-ઉકરડાનું ગંદકીનું સામ્રાજ્ય બન્યુ છે. બસ સ્ટેશન ઢોર પુરવાના ડબ્બા હોય તેવી સ્થિતિમાં છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં આ બસ સ્ટેશનને નવીનીકરણ-મરામત- તથા ગ્રાઉન્ડ લેવલીંગ માટે કોઈ જ કામગીરી થતી નથી. તાજેતરની વર્ષ 2026-27ના અંદાજપત્રની માંગણીઓ પર ચર્ચા અને મતદાન દરમિયાન વિધાનસભા ગૃહમાં પાટડી તાલુકા સેન્ટરે નવુ વર્કશોપ સાથેનું એસ.ટી. ડેપો બનાવવા અમોએ રજૂઆત કરી હતી તેના જવાબમાં આપ સાહેબે હયાત સ્ટ્રક્ચરની આયુ મર્યાદા, પરિવહન અને મુસાફરોની અનૂકૂળતા ચકાસી કાર્યવાહી કરવા જણાવેલ છે. આપ સાહેબને આ પત્રથી એક જ રજૂઆત છે કે આપ સાહેબ હસ્તકની કચેરીથી જવાબદાર અધિકારીની તાત્કાલિક વિઝિટ આ બસ સ્ટેન્ડ પર કરાવી મુસાફરને બેસવા લાયક તેમજ એસ.ટી.ને રોકવા લાયક બસ સ્ટેશન છે કે કેમ ? તેનો રિપોર્ટ મેળવી સ્થળ ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી સહ ભલામણ છે.
જૂનાગઢના વંથલી એસટી બસ સ્ટેશનમાં પ્રાથમિક સુવિધાઓના ભારે અભાવના કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અહીં પીવાના પાણીના નળ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે, જ્યારે સીસીટીવી કેમેરા અને સ્વચ્છતાનો પણ મોટો અભાવ જોવા મળી રહ્યો છે. બસ સ્ટેન્ડ કમ્પાઉન્ડમાં રખડતા ઢોરોએ અડીંગો જમાવતા મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયા છે. એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ અહીં ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું હોવાથી સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. આ સમગ્ર મામલે એસટી કર્મચારીઓ અને તંત્ર મૌન સેવીને બેઠા છે, જેને પગલે મુસાફરોને પાયાની સુવિધાઓ ક્યારે મળશે તેવા તીખા સવાલો ઉઠી રહ્યા છે.
બનાસકાંઠાના ધાનેરા એસટી બસ સ્ટેન્ડમાં રખડતા ઢોર અને શ્વાનનો ભારે આતંક છે. ABP અસ્મિતાના રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે રાજસ્થાન અને ગુજરાતના અનેક મુસાફરોથી ધમધમતા આ બસ સ્ટેન્ડમાં ઠેર-ઠેર ઢોર અને શ્વાને અડીંગો જમાવ્યો છે. રાત્રિના સમયે આરામ કરતા મુસાફરો પાસે શ્વાન આંટા મારતા હોવાથી મુસાફરો સહિત એસટીના ડ્રાઇવરો પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. નવા બનેલા બસ સ્ટેન્ડમાં ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ સમસ્યાથી તાત્કાલિક મુક્તિ મેળવવા મુસાફરો માંગ કરી રહ્યા છે. બીજી તરફ, ધાનેરા નગરપાલિકા પ્રમુખે એસટી વિભાગને લેખિત જાણ કરી નોડલ ઓફિસર નિમવા રજૂઆત કરી છે અને શ્વાનને પકડવા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી છે.
બનાસકાંઠાના દાંતા તાલુકાનું મુખ્ય બસ સ્ટેન્ડ ખંડેરમાં ફેરવાઈ ગયું છે. મુસાફરો માટે બેસવાની પૂરતી વ્યવસ્થા નથી, ચારે તરફ ગંદકી ફેલાયેલી છે,જેના કારણે દુર્ગંધ ફેલાય છે અને રોગચાળાનો ભય પણ ઉભો થયો છે. બસ સ્ટેન્ડના પરિસરમાં મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. મહિલાઓ માટે શૌચાલયની કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી. મુસાફરોને બેસવા માટે પૂરતી બેઠક વ્યવસ્થા નથી. વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને કલાકો સુધી ઉભા રહી બસની રાહ જોવી પડે છે. પરિણામે દરરોજ અવરજવર કરતા આશરે 100 જેટલા ગામોના મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દાંતા તાલુકાના આશરે 185 જેટલા ગામોના લોકો રોજિંદી અવરજવર માટે આ બસ સ્ટેન્ડ પર નિર્ભર છે. છતાં વર્ષોથી આ બસ સ્ટેન્ડની હાલતમાં કોઈ સુધારો જોવા મળતો નથી. સ્થાનિક લોકો અને મુસાફરો હવે માગ કરી રહ્યા છે કે બસ સ્ટેન્ડનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે, ગંદકી દૂર કરવામાં આવે, મહિલાઓ માટે શૌચાલય, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને રસ્તાઓનું સમારકામ કરવામાં આવે જેથી મુસાફરોને પડતી હાલાકીનો અંત આવે. એસટી કંટ્રોલ અધિકારીએ જણાવ્યું હતું કે બસ સ્ટેશનમાં જે સુવિધા નથી તે ઝડપથી નવીન બસ સ્ટેશન બનશે ત્યારે પૂરી પાડવામાં આવશે.