Hun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?
ડાયમંડ નગરી તરીકે ઓળખાતું સુરત હાલ સૌથી વધુ ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે.. આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગમાં સતત ઘટાડો થતાં 50 વર્ષના ઈતિહાસમાં હીરા બજારોમાં સૌથી મોટી મંદી આવી છે. 17 લાખ કર્મચારીઓ હીરા પોલિશ્ડ અને કટિંગનું કામ કરી રહ્યા છે. સુરતમાં જ 11 લાખ કર્મચારીઓના પરિવાર હીરા પર નભી રહ્યા છે. પરંતુ ક્યારેય ન જોઈ હોય તેવી મંદીના કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટું સકંટ ઉભું થયું છે. બેથી ચાર ઘંટી ચાલતી હોય તેવી 90 ટકા ફેકટરીઓ બંધ થઈ ગઈ છે...અને 2 લાખ જેટલા લોકોની નોકરી જતી રહી છે. જે કર્મચારીઓની નોકરી ચાલુ છે તેમાં પણ 20થી 50% સુધીનો પગાર ઘટી ગયો છે. ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે કે, આર્થિક સંકળામણના કારણે એક વર્ષમાં સુરતમાં જ 45 રત્નકલાકારે આત્મહત્યા કરી લીધી છે. અત્યાર સુધીમાં ડાયમંડ વર્કર યુનિયનની હેલ્પલાઈન પર 3 હજારથી વધુ કર્મચારીઓના મદદ માટે કોલ્સ આવ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ડેટા પ્રમાણે વર્ષ 2022માં 1.80 લાખ કરોડના ડાયમંડની નિકાસ થતી હતી. વર્ષ 2023માં ઘટીને 1.43 લાખ કરોડના ડાયમંડની નિકાસ થઈ. જ્યારે 2024ના ઓક્ટોબર મહિના સુધીમાં માત્ર 1.02 લાખ કરોડ ડાયમંડની જ નિકાસ થઈ છે. જે વર્ષ 2024 પૂર્ણ થતા થતા 1.15 લાખ કરોડ સુધી પહોંચે તેવી સંભાવના છે. એવામાં રત્ન કલાકારોની હાલત કથડી છે. સ્થિતિ એવી થઈ છે કે, હવે રત્નકલાકારો પોતાના બાળકોની ભણવાની ફી પણ નીકાળી નથી શકતા. વરાછાની શિક્ષણ સમિતિની 50 સ્કૂલોમાંથી રત્નકલાકારોએ 603 સંતાનોના લીવિંગ સર્ટિફિકેટ લઈ વતનની વાટ પકડી છે, જ્યાં તેઓ રોજના 200થી 250 કમાવવા ખેતમજૂરી કરી રહ્યા છે. ખાનગી શાળામાં પણ આ જ સ્થિતિ છે. આર્થિક મજબૂરી વચ્ચે એવા 500 વાલી છે જેમણે બાળકોને ખાનગીમાંથી ઉઠાડીને સમિતિની સ્કૂલમાં ખસેડી દીધાં છે. દિવાળી પહેલા રત્નકલાકારોને દૈનિક 700થી 800 રૂપિયા મળતા હતા. જે પછીથી 460 રૂપિયા થઈ ગયા. અને હવે સ્થિતિ એ છે કે, સુરતમાં ઘરનું ભાડું અને બાળકોને આટલા પગારમાં ભણાવી ન શકવાના કારણે વતન તરફ જઈ રહ્યા છે. સરકારને લાખોનો ટેક્સ ભરનારી ડાયમંડ ઈન્ડસ્ટ્રી મુશ્કેલીમાં છે ત્યારે સરકારે રત્નકલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.