Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?
છોટાઉદેપુર જિલ્લો. જ્યાં ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે ખુદ ભાજપના ધારાસભ્યએ મોરચો માંડ્યો. પાવી-જેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા પહોંચ્યા નદીના પટમાં અને રેતી ખનનને લઈ રોષ વ્યક્ત કર્યો. એટલું જ નહીં. તેમણે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. બોડેલી તાલુકાના ખડકલાથી મોટા વાંટા ગામને જોડતા પુલિયા પાસે ખનન થતાં રજૂઆત કરાઈ હતી. જેને લઈ તેઓ નિરીક્ષણ કરવા પહોંચ્યા. આ સમયે પુલ નજીક લીઝધારકો નિયમ વિરુદ્ધ બેફામ રેતી ખનન કરતાં હોવાનું ખુલ્યું. ધારાસભ્યએ ભૂસ્તર વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવા કહ્યું. જો કાર્યવાહી ન કરાઈ તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. બીજી તરફ લીઝ સંચાલકનું કહેવું છે કે, ભાડેથી લીઝ લઈને ખનન કરવામાં આવી રહ્યું છે.
કચ્છમાં ભૂમાફિયાઓ બેફામ. અંજાર પાસે ભૂમાફિયાઓએ ફ્લાઈંગ સ્કવોડની ટીમ પર કર્યો હુમલો. રાત્રે ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે તુણા રોડ ઉપર ખનીજ ભરીને જતી 4 ટ્રકને રોકવામાં આવી. આ સમયે કાયદાનો કોઈ ડર ન હોય તેમ કાર્યવાહીથી ઉશ્કેરાયેલા ભૂમાફિયાઓએ ફ્લાઈંગ સ્કવોડની ટીમ પર હાથાપાઈ કરી હુમલો કર્યો. આ મુદ્દે ખાણ ખનીજ વિભાગે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.