Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
સુરતમાં કાગવડ બાદ બીજા ખોડલધામના નિર્માણને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે અને નવરાત્રિના પાવન પર્વ પર જ ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભવ્ય પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત થતાં જ સુરત સહિત સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે. આ ધાર્મિક તથા સામાજિક સંકુલના નિર્માણની મુખ્ય જવાબદારી જાણીતા હીરા ઉદ્યોગકાર અને સમાજ અગ્રણી મુકેશ પટેલ સંભાળશે. તેમની સાથે પાટીદાર સમાજના અગ્રણી જયંતિ એકલારા પણ મુખ્ય ચહેરા તરીકે ખભેખભા મિલાવીને જોડાયા છે, જેમના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય ખોડલધામ સંકુલ સાકાર થશે.
આજથી 5 મહિના પહેલા 6ઠ્ઠી મેંના દિવસે સુરત ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કાગવડ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે સુરતમાં ખોડલધામ બનાવવાની જાહેરાત કરી હતી.આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે સુરત ખોડલધામ માટે અંત્રોલી વિસ્તારમાં 40 વીઘા કરતાં પણ વધારે જમીનનું સંપાદન કરી લેવામાં આવ્યું છે. આ સંકુલના નિર્માણ કાર્ય અંગેની ટાઈમલાઈન આપતા નરેશ પટેલે ત્યારે જણાવ્યું હતું કે, આસો નવરાત્રિની આસપાસ આ પવિત્ર ભૂમિ પર વિધિવત રીતે ભૂમિપૂજન કરવામાં આવશે અને નવરાત્રિ પૂર્ણ થયા બાદ સંકુલના નિર્માણનું કાર્ય પૂરજોશમાં શરૂ કરી દેવાશે. જો કે હવે વરાછામાં નિર્માણ પામનારા ખોડલધામની જાહેરાત કરવામાં આવી છે.






















