Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
સુરતમાં વરસાદ બાદ શહેરના મોટાભાગના રોડ-રસ્તાઓનું ધોવાણ થતાં ઠેર-ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે. કડોદરા રોડ, ઉધના, કતારગામ, પુણા, સરથાણા, ડભોલી, પાંડેસરા અને ડિંડોલી જેવા વિસ્તારોમાં વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. શહેરના અત્યંત ગીચ અને વ્યસ્ત એવા રિંગરોડ વિસ્તારમાં મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે વધુ એક નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ગોડાદરાના આહિર ચોકથી માનસરોવર સોસાયટી તરફ રાત્રે પોતાના ઘરે જઈ રહેલા સંદીપ નામના યુવકની બાઇક ઊંડા ખાડા અને કાદવ-કીચડના કારણે સ્લીપ થઈ ગઈ હતી, જેથી તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, 150 ફૂટના આ રોડ પર લાંબા સમયથી મસમોટા ખાડા હોવા છતાં અને સ્ટ્રીટ લાઇટોના અભાવે અંધારપટ રહેતો હોવા છતાં મનપા કોઈ કાર્યવાહી કરતી નથી. મૃતક પરિવારે માગ કરી છે કે જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે અને રોડનું તાત્કાલિક સમારકામ કરાય જેથી અન્ય કોઈનો જીવ ન જાય.
અમદાવાદના મહંમદપુરા રોડથી બિલિયોનેર સ્ટ્રીટ તરફ જતા માર્ગની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે, જ્યાં રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તો તે ઓળખવું પણ મુશ્કેલ છે. ચોમાસાના વરસાદ બાદ અહીં પડેલા મોટા અને ઊંડા ખાડાઓને કારણે દરરોજ પસાર થતા હજારો વાહનચાલકો અને ખાસ કરીને બાઇકચાલકો તથા એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો માટે મુસાફરી અત્યંત જોખમી બની છે. આ ઉબડ-ખાબડ રસ્તા પર અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા હોવા છતાં, સ્થાનિક તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાયમી સમારકામ કરવામાં આવ્યું નથી. સ્માર્ટ સિટી અમદાવાદના સરખેજથી એસપી રિંગ રોડને જોડતા આ મહત્વના માર્ગ પર કમરતોડ ખાડાઓને કારણે વિકાસના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે જવાબદાર તંત્ર તાત્કાલિક આ રસ્તાનું યોગ્ય રિપેરિંગ કામ શરૂ કરે જેથી લોકોને અકસ્માતના ભયમાંથી મુક્તિ મળે અને રાહત થાય.
મહેસાણા બાયપાસ હાઈવે પર આવેલ રેલ્વે ઓવરબ્રિજની દયનીય અને જર્જરિત હાલતને કારણે પ્રશાસનના કામકાજ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વર્ષ 2017માં અંદાજે ₹45 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજ પરથી માત્ર નવ જ વર્ષના ટૂંકા ગાળામાં આરસીસી ઊખડી જતાં લોખંડના ખતરનાક સળિયા બહાર આવી ગયા છે. અમદાવાદ-પાલનપુર જેવા મુખ્ય માર્ગ પરથી રોજિંદા હજારો વાહનો પસાર થતા હોવાથી ગમે ત્યારે મોટો અકસ્માત અને જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે.
આટલું ઓછું હોય તેમ, મહેસાણામાં ડી-માર્ટ નજીક બ્રિજ પાસે ચાલુ વરસાદમાં ગરમ ડામર-કપચી પાથરી ખાડા પૂરવાની કામગીરી કરાતી હોવાના વિડિયો વાયરલ થતાં ભ્રષ્ટાચાર અને લોટ પાણી ને લાકડા જેવી કામગીરીનો પર્દાફાશ થયો છે. અગાઉ પણ ચાલુ વરસાદમાં રોડ બનાવવાનો વિડિયો સામે આવ્યો હતો, છતાં પ્રશાસનની બેદરકારી યથાવત રહેતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
વડોદરા શહેર અને કરજણ પંથકમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત અત્યંત દયનીય બનતાં હવે લોકો વડોદરાને ‘ખડોદરા’ કહી રહ્યા છે. કરજણમાં નેશનલ હાઇવે-48 ધાવટ ચોકડીથી ડભોઇ અને વેમારડી તરફ જતા ૩ કિલોમીટરના માર્ગ તેમજ સર્વિસ રોડ પર ઘૂંટણસમા વાહનતોડ ખાડા પડતાં ટ્રાફિક જામ અને અકસ્માતો સર્જાઈ રહ્યા છે. હદ તો ત્યાં થાય છે કે કરજણના કંડારી પાસે રૂ. કરોડોના ખર્ચે બનેલા અને માત્ર બે મહિના પહેલા જ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લા મુકાયેલા નવા ઓવરબ્રિજ પર પણ ખાડા પડી જતાં તેની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બીજી તરફ, અકોટા અને તાંદલજા જેવા પોશ વિસ્તારોમાં સતત ભુવાઓ પડી રહ્યા છે. તાંદલજાની શાળા બહાર જ ખાડાઓ હોવાથી વાલીઓ અને બાળકો હેરાન થાય છે. ગઈકાલે કિસ્મત ચોકડી પાસે ખાડાના કારણે મોપેડ સ્લીપ થતાં કિશોરીનું ડમ્પર નીચે કચડાવાથી કરુણ મોત નીપજ્યું હતું. તંત્ર દ્વારા માત્ર ભુવામાં રોડા કે ટાયરો મૂકી બેરિકેટિંગ કરી સંતોષ મનાઈ રહ્યો છે, જેનાથી વેરો ભરતા નાગરિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.
રાજકોટમાં રાજમાર્ગોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. રૈયા ગામ વિસ્તાર, માધાપર ચોકડી, ગોંડલ ચોકડી અને ઢેબર રોડ જેવા ગેરંટીવાળા વિસ્તારોમાં મસમોટા ખાડા પડતાં વાહનચાલકોના વાહનો તૂટી રહ્યા છે અને કમરના દુખાવા સહિત સિનિયર સિટીઝનો તથા મહિલાઓ પડી જવાની ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા સિમેન્ટના રોડ બનાવવાની ટકોર કરાઈ હોવા છતાં સ્થિતિ જસની તસ છે. બીજી તરફ, ધોરાજીના સ્ટેશન રોડ, નાગરિક બેંક ચોક અને શિવાજી ચોક જેવા મુખ્ય માર્ગો પર પણ ભારે ધોવાણ થતાં અકસ્માતનો ભય વધ્યો છે. ઉપલેટા નજીક 4થી વધુ ગામોને જોડતા અને 2018માં 37.73 કરોડના ખર્ચે ભાદર નદી પર બનેલા હાડફોડી ગાડરિયા પુલ પર મસમોટા ગાબડાં પડી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજાશાહી વખતના પુલો આજે પણ અડીખમ છે, જ્યારે માત્ર 9 વર્ષ પૂર્વે બનેલા આ પુલ પરથી રોડ જ ગાયબ થઈ ગયો છે. પ્રશાસન કે માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ બ્રિજના નિરીક્ષણની તસદી સુદ્ધાં ન લેતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા તાત્કાલિક રિપેરિંગ કામગીરી કરવાની માગ ઉઠી છે.
ભાવનગર જિલ્લાના વાળુંકડથી મોટા ખોખરાને જોડતો અંદાજે 25 કિલોમીટરનો માર્ગ છેલ્લા 10 વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે. આ માર્ગ મોટા ખોખરા, નાના ખોખરા, પાણીયાળા સહિત 20થી વધુ ગામોને જોડે છે. ચોમાસામાં રોડ પર પડેલા મોટા ખાડાઓમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો, ખેડૂતો, શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ઈમરજન્સી સેવાઓ માટે જીવના જોખમે પસાર થવાની નોબત આવી છે. માત્ર 10 કિમીનું અંતર કાપવામાં પણ વાહનચાલકોને અડધો કલાક જેટલો સમય લાગી જાય છે અને વાહનોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ લાવવાને બદલે સ્ટેટ માર્ગ અને મકાન વિભાગે બે મહિના પહેલાં માત્ર પથ્થરની કપચી પાથરીને કામ પૂરું કરી લીધું હતું, જેનાથી રોડ વધુ ખતરનાક અને અકસ્માત સર્જે તેવો બની ગયો છે. પ્રશાસનની આ ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે હવે કામચલાઉ પેચવર્કને બદલે આ માર્ગનું તાત્કાલિક કાયમી નવીનીકરણ કરવામાં આવે જેથી વર્ષો જૂની સમસ્યાનો કાયમી અંત આવે.
જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલા ભુતનાથ મંદિરથી હાટકેશ હોસ્પિટલ સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા ચાર મહિનાથી અત્યંત જર્જરિત હાલતમાં છે. આ રોડ પર દોમડીયા વાળી, બેંકો અને અનેક વેપારી સંસ્થાઓ આવેલી હોવા છતાં વારંવાર ખોદકામ કર્યા બાદ યોગ્ય રિપેરિંગ કરવામાં આવતું નથી. ચોમાસામાં માત્ર એક ઇંચ વરસાદમાં રોડનો ઢોળાવ બગડેલો હોવાથી પાણી ભરાઈ રહે છે અને ગટર સુધી પહોંચતું નથી. આ ઉબડ-ખાબડ રસ્તા પરથી પસાર થતી વખતે અનેક વૃદ્ધો, બાળકો અને દર્દીઓ પડી જતાં 108 એમ્બ્યુલન્સ બોલાવવાની નોબત આવી છે. રહીશોની સ્પષ્ટ માગ છે કે જેસીબી મોકલી કાગળ પર કામ દર્શાવવાને બદલે એન્જિનિયરની હાજરીમાં આ માર્ગનું વૈજ્ઞાનિક ઢબે કાયમી નવીનીકરણ કરવામાં આવે.
સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી શહેર ભારે વરસાદ બાદ હાલ 'ખાડા રાજ'માં ફેરવાઈ ગયું છે. નહેરુ ગેટથી દરબારગઢ, તખ્તસિંહજી રોડ, શનાળા રોડ અને મહાનગરપાલિકા સામેના મુખ્ય માર્ગો પર પડેલા મોટા અને ઊંડા ખાડાઓને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. વરસાદે વિરામ લીધાને 2 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રસ્તાઓનું સમારકામ ન થતાં નાગરિકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને વાહનચાલકો કમરના દુખાવા તથા હાડકા ભાંગવા જેવા આરોગ્યના જોખમોનો સામનો કરી રહ્યા છે.
ભુજ શહેરમાં કોમર્સ કોલેજથી રઘુવંશી ચોકડીને જોડતો માર્ગ આર.એન.બી. વિભાગ દ્વારા રૂ. 46 કરોડના ખર્ચે હજુ એક મહિના પહેલા જ RCC બનાવવામાં આવ્યો હતો. પરંતુ, સીઝનના પ્રથમ વરસાદમાં જ આ રસ્તો તૂટીને ધોવાઈ જતાં તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. "લોટ, પાણી ને લાકડા" જેવી હલકી કક્ષાની કામગીરીથી રોષે ભરાયેલા સ્થાનિકોએ આ કામની તટસ્થ તપાસ કરવાની અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડક પગલાં ભરીને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની ઉગ્ર માગ કરી છે.
ખેડા અને આણંદ જિલ્લાને જોડતા અલીણા-પણસોરા રોડ પર શેઢી નદી પર 5.50 કરોડના ખર્ચે બનેલો નવો બ્રિજ લોકાર્પણ પહેલાં જ વિવાદમાં સપડાયો છે. મુસળધાર વરસાદ બાદ શેઢી નદીમાં પૂર આવતાં જ બ્રિજના બંને છેડાનો એપ્રોચ રોડ તથા ડામર નીચે બેસી ગયા છે. હાલ માત્ર નાના વાહનોની અવરજવર શરૂ છે ત્યારે જ જો આવી સ્થિતિ હોય, તો ભારે વાહનો ચાલુ થતાં જ મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સ્થાનિકો સેવી રહ્યા છે.






















