Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'

Continues below advertisement

છેલ્લા થોડા દિવસથી સતત વરસી રહેલા મુશળધાર વરસાદથી અમરેલી જિલ્લો પાણી પાણી થયો છે.. જાફરાબાદના દરિયાકાંઠામાં વરસેલા ધોધમાર વરસાદથી જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે.. વઢેરા, કડીયાળી, નાગેશ્રી, હેમાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી રોડ પરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.. જાફરાબાદ શહેરના પીપળીકાંઠા વિસ્તારના અનેક મકાનોમાં વરસાદી પાણી ઘર કરી ગયા છે.. ઘરમાં વરસાદી પાણી ઘુસતા ઘરવખરીનો સામાન પણ બરબાદ થયો છે.. 

રાજુલા પંથકમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી.. રાજુલાના પીપાવાવ પોર્ટ હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો.. હાઈવે પર બે બે ફુટ સુધીના પાણી ભરાતા અનેક વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.. ઘટનાની જાણ થતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ સ્થળ પર પહોંચીને વાહન ચાલકોની હાલાકી જાણવાનો પ્રયાસ કર્યો.. ચારોડીયા પંથકમાં વરસેલા અનરાધાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા.. મીઠાપુરના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા વાવણી કરેલ પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે.. 

રાજુલા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદથી ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા.. વિકટર, ડુંગર, માંડળ, છતડીયા, ભેરાઈ સહિતના ગામોમાં વરસેલા ધોધમાર વરસાદથી રોડ-રસ્તાઓ જળમગ્ન થયા.. જોલાપુર ગામની જોલાપુર નદીમાં પણ ઘોડાપૂર આવતા નદીના પાણી ગામમાં ઘુસતા ગ્રામજનોને હાલાકી ભોગવતા જોવા મળ્યા.. તો ડુંગર ગામમાં વરસેલા વરસાદથી સ્થાનિક નદીઓમાં પાણીની ભરપુર આવક થઈ. નદીના પાણી બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોમાં ઘુસી ગયા.. નદીના પાણી ઘરમાં ઘુસી જતા ઘરવખરીનો માલસામાન પણ પલળી ગયો.. 

ભારે વરસાદથી ભાવનગર જિલ્લાનો મહુવા પંથક થયો જળબંબાકાર.. માત્ર 18 કલાકમાં મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં સાડા સાત ઈંચથી વધુ વરસાદ વરસ્યો.. ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું.. 

સતત વરસી રહેલા વરસાદથી મહુવા તાલુકાનું બિલડી ગામ સંપર્ક વિહોણું બન્યું.. પ્રાથમિક શાળા, આંગણવાડીમાં વરસાદી પાણી ફરી વળ્યા.. તો નીચાણવાળા વિસ્તારો પણ જળમગ્ન થતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. ગામની શેરીઓમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.. આખા ગામમાં કમરસમા પાણી ભરાયા.. 
 
મહુવા પંથકમાં વરસેલા ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાય.. મોટા ખુટવડા, કુંભણ, ગોરસ, ઉગલવાન,નાના જાદરા સહિતના ગામોથી પસાર થતી માલણ નદી બે કાંઠે વહી રહી છે.. ચોમાસાની શરૂઆતમાં જ માલણ નદી બે કાંઠે વહેતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા. 


ઉનામાં 24 કલાકમાં વરસેલા ધોધમાર આઠ ઈંચ વરસાદથી ખત્રીવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું.. વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા.. ગામની ચારેયબાજુ ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો.. શેરીઓમાં પણ કમરસુધીના પાણી ફરી વળતા લોકો ઘરમાં જ કેદ થવા મજબુર બન્યા.. સાથે જ સનખડાથી ખત્રીવાડા જવાનો રસ્તો પણ બંધ થયો.. 
 
માલણ નદીમાં આવેલા પૂરથી ચારેય તરફ મચી તબાહી.. ગાંગડા ગામેથી પસાર થતી માલણ નદી બેકાંઠે હેતા અનેક વીજપોલ ધરાશાયી થતા.. ગાંગડા-ઊંટવાળા ગામને જોડતા રસ્તા પર પૂરના ધસમસતા પાણીથી અનેક વીજપોલ જમીનદોસ્ત થયા.. 

ભારે વરસાદથી ઉના તાલુકાના 10 જ્યારે ગીર ગઢડા તાલુકાના બે રસ્તાઓ બંધ થયા છે.. રસ્તાઓ બંધ થતા 15થી વધુ ગામોને જોડતા રસ્તાઓ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થયો છે.. હાલ આઠ રસ્તાઓ પર વૈકલ્પિક માર્ગ શરૂ કરાયા છે.. જ્યારે ચાર રસ્તાઓ હજુ પણ સંપૂર્ણપણે બંધ છે.. 

છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા અવિરત વરસાદથી ગીર સોમનાથ જિલ્લાની સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે.. ઉના પંથકની જીવાદોરી સમાન મચ્છુન્દ્રી નદીમાં નવા નીરની ભરપૂર આવક થઈ છે.. નદી-નાળા અને ચેકડેમ પણ છલોછલ થયા છે.. સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાતા નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા સ્થાનિક પ્રશાસને અપીલ કરી છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola