Hun To Bolish | હું તો બોલીશ | મેયરનું ઘર ગેરકાયદે?
રાજકોટના વૉર્ડ નંબર 5ના સંતકબીર રોડ પર નંદુબાગ વિસ્તારમાં વાડીપણામાંથી બનેલી સૂચિત સોસાટીમાં રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના પતિ વિનોદભાઈએ નિર્માણ શરૂ કર્યું હતું. અગાઉ અહીં ગેરેજ હતું જે તોડીને તેમણે હવે નીચે કોમર્શિયલ અને ઉપર રહેણાંક બિલ્ડીંગનું નિર્માણ થઈ રહ્યું છે. આ જ નિર્માણને લઈને કોર્પોરેશને મેયરના પતિને નોટિસ આપી હતી. 17 ફેબ્રુઆરીએ આપેલી આ નોટીસમાં સ્પષ્ટ લખાયું છે કે આ સ્થળે તમે શરૂ કરેલું કામ GPMC એક્ટ,1949ની કલમો અંતર્ગત રજાચિઠ્ઠી કે મંજૂરી મેળવ્યા વિરૂદ્ધનું છે અને આ સ્થળે તમે શરૂ કરેલું બાંધકામ નિયમ વિરૂદ્ધ તથા ગેરકાયદેસર જણાય છે. આથી તમને નોટીસ અપાય છે કે તમે આ બાંધકામ તોડી કેમ ન નાંખવું તેનો 7 દિવસમાં જવાબ આપો.
જો કે આ જ મુદ્દે વિપક્ષ આક્રમક બન્યું અને રાજકોટ મનપામાં નેતા વિપક્ષ વશરામ સાગઠિયાએ બેઠકમાં જબરદસ્ત આરોપો લગાવ્યા હતા. વશરામ સાગઠિયાએ આ નિર્માણને ભ્રષ્ટાચારનું મૂળ ગણાવ્યું હતું તો મેયરે સ્પષ્ટ કહ્યું કે નિયમોના વિરૂદ્ધ કોઈ પણ પ્રકારનું બાંધકામ થયું નથી.























