Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ બંધ થતાં પૂરનું પાણી ધીમે-ધીમે ઓસરવા લાગ્યું છે. જોકે, પાણી ઓસરતા ખેડૂતોના ખેતરોની ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે. અનેક વિસ્તારોમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે, જ્યારે ઘણી જગ્યાએ ખેતીની જમીન પણ ધોવાઈ ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધારાસભ્યો, સાંસદો અને અન્ય જનપ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને તાત્કાલિક નુકસાનીનો સર્વે કરીને ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવાની અપીલ કરી છે.
ખેડૂતોને ઝડપથી સહાય મળે તે જરૂરી છે, પરંતુ દર વર્ષે ચોમાસામાં થતા આવા નુકસાન માટે કાયમી ઉકેલ શોધવાની પણ જરૂર છે. પાક વીમા યોજના વધુ અસરકારક બને અને બાગાયતી પાકને પણ યોગ્ય સુરક્ષા મળે તે દિશામાં સરકારે વિચારવું જોઈએ. જ્યાં ખેડૂતોના કોઈ વાંક વિના અતિશય વરસાદ અથવા પાણી ભરાવાથી નુકસાન થયું છે, ત્યાં પારદર્શક રીતે સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે.
ચોમાસું ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ સમય છે. આ વર્ષે મોડા આવેલા વરસાદે ખેડૂતો માટે આફત સર્જી છે. તેથી રાહત પેકેજની માત્ર જાહેરાત નહીં, પરંતુ તેની સહાય સમયસર ખેડૂતો સુધી પહોંચે તે પણ એટલું જ જરૂરી છે, જેથી તેઓ બિયારણ, ખાતર અને મજૂરીના ખર્ચ ચૂકવીને ફરી આત્મવિશ્વાસ સાથે ખેતી શરૂ કરી શકે.





















