Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં નિશાના પર ગુજરાતી
Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં નિશાના પર ગુજરાતી
અમેરિકામાં એક વર્ષમાં 4 ગુજરાતીની હત્યા થઈ છે. અમેરિકાના વર્જિનિયામાં સ્ટોરમાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા કરી દેવાઈ... મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના વતની અને છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા મેઘનાબેન પટેલની એક અજાણ્યા બુકાનીધારી હુમલાખોરે ગોળી મારી હત્યા કરી દીધી...ઘટનાને પગલે તેમના વતન જંત્રાલ ગામમાં અને તેમના પિયરના ગામ જામળામાં ઘેરા શોકનો માહોલ છવાયો... સમગ્ર હત્યાકાંડ સ્ટોરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો. ચિંતાજનક બાબત એ છે કે, અમેરિકામાં છેલ્લા એક જ વર્ષમાં સમાન મોડસ ઓપરેન્ડીથી આ ચોથા ગુજરાતીની હત્યા કરવામાં આવી. મેઘનાબેન પટેલ વિજાપુરના જંત્રાલ ગામના દીકરી હતા અને છેલ્લા એક દાયકાથી અમેરિકાના વર્જિનિયામાં પરિવાર સાથે રહેતા હતા તેમજ ત્યાં એક સ્ટોરમાં નોકરી કરતા હતા. ઘટના સમયે મેઘનાબેન સ્ટોર પર હાજર હતા, ત્યારે જ બુકાની બાંધેલો એક અજાણ્યો શખ્સ અંદર પ્રવેશ્યો અને હથિયાર કાઢી ધડાધડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો. હુમલા પાછળ લૂંટનો ઈરાદો હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો અને સમગ્ર વિસ્તારને ઘેરીને તપાસ હાથ ધરી. મેઘનાબેનની હત્યાના સમાચાર મળતા જ તેમના વતન જંત્રાલ અને મોસાળ જામળા ગામમાં આક્રંદ છવાઈ ગયો.. મૃતક મેઘનાબેનના પિતા કરસનભાઈ પટેલ અને માતા કપિલાબેન હાલ જંત્રાલ ગામમાં રહે છે. જ્યારે તેમના પતિ ઉપેન્દ્રભાઈ પટેલ, પુત્રી નકશી અને પુત્ર સ્મિત હાલ અમેરિકામાં જ સ્થાયી છે ઘટનાને પગલે અમેરિકામાં રહેતા સ્થાનિક ગુજરાતી સમાજ અને ભારતીય સમુદાયમાં ભારે રોષ અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ગયા વર્ષે મે મહિનામાં અમેરિકાના રોબિન્સન ટાઉનસીપમાં 50 વર્ષીય રાકેશ પટેલની હત્યા થઈ હતી. રાકેશભાઈ બારડોલીના રાયમ ગામના વતની હતા. મોટલના સંચાલક તરીકે કામ કરતા હતા. હત્યારાએ અન્ય મહિલાને ગોળી માર્યા બાદ પાસે ઉભેલા રાકેશ ભાઈને પણ ગોળી મારી દીધી હતી. હત્યારાએ પકડવા આવેલા સ્થાનિક પોલીસ ને પણ પગમાં ગોળી મારી હતી.
કિરણ પટેલની હત્યા
અમેરિકામાં 2025માં 16 સપ્ટેમ્બરે લૂંટના ઈરાદે એક ગુજરાતીની હત્યા કરાઈ હતી....સાઉથ કેરોલિનામાં છેલ્લા 23 વર્ષથી રહેતા બોરસદના કિરણબેન પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી....49 વર્ષીય કિરણબેન પટેલ એક સ્ટોર ચલાવતા હતા....અને તેમના સ્ટોરમાં લૂંટના ઈરાદે આવેલ બુકાનીધારી શખ્સે આડેધડ ફાયરિંગ કરીને કિરણબેનની હત્યા કરી નાખી
પરેશ પટેલની હત્યા
2025માં મે મહિનામાં કલોલના ડીંગુચાના પરેશ પટેલની અમેરિકામાં હત્યા કરવામાં આવી. પરેશ પટેલ સ્ટોરમાં તેમનું કામ કરી રહ્યા હતા, તે સમયે સ્ટોરમાં ગ્રાહક તરીકે આવેલા હત્યારાએ ફાયરીંગ કરીને પરેશ પટેલની હત્યા કરી દીધી. ગ્રાહક તરીકે આવેલા હત્યારાએ પહેલા પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો અને પૈસા લૂંટયા બાદ ફાયરિંગ કરીને પરેશ પટેલની હત્યા નિપજાવી હતી.
અમેરિકામાં ગન કલ્ચર ખતરનાક છે. સ્મોલ આર્મ્સ સર્વેના એક રિપોર્ટ પ્રમાણે અમેરિકાની વસતિ કરતાં વધુ નાગરિકો પાસે ગન એટલે કે સિવિલિયન બંદૂકો છે.અમેરિકાના 40 થી 42 ટકા પરિવાર એવા છે જેમની પાસે ઓછામાં ઓછુ એક હથિયાર છે. મોટાભાગના રાજ્યોમાં હથિયાર માટે કોઈ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી. એટલું જ નહીં અમેરિકાના 29થી વધુ એવા રાજ્યો છે જ્યાં વગર લાયસન્સે જાહેરમાં હથિયાર લઈ જઈ શકાય. અમેરિકાની વસતિ લગભગ 34 કરોડ છે અને ત્યાં લગભગ 40 કરોડ સિવિલિયન બંદૂકો છે.યુએસમાં દર 100 લોકો સામે 120 બંદૂક ઉપલબ્ધ છે.
અમેરિકાના ગ્રીન કાર્ડ માટે ટ્રમ્પ સરકારે એક નવો નિર્ણય કર્યો છે, જેનાથી અમેરિકામાં રહી રહેલા ભારતીયોની મૂશ્કેલીઓ વધશે. નવો નિયમ એ છે કે હવે વિદેશી નાગરિકોને ગ્રીન કાર્ડ મેળવવું હશે તો તેમના મૂળ દેશમાં જઈ એપ્લાય કરવાનું રહેશે.. અરજદારે પોતાના દેશ પરત જઈને અમેરિકન કાઉન્સ્યુલેટ મારફતે ગ્રીન કાર્ડ પ્રક્રિયા કરવી પડે તેવી નવી નીતિ લાવવામાં આવી છે.
આ જાહેરાત અમેરિકાની U.S. Citizenship and Immigration Services (USCIS) અને Department of Homeland Security (DHS) દ્વારા ટ્રમ્પ પ્રશાસન હેઠળ કરવામાં આવી છે.
જોકે ગ્રીન કાર્ડ માટે બધાને અમેરિકા છોડવું નહીં પડે. યુએસ ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટ એ સ્પષ્ટતા કરી છે કે ઈકોનોમિક બેનીફિટ અને નેશનલ ઈન્ટરેસ્ટ વાળા કેસમાં છૂટછાટ મળી શકે છે. મતબલ કે જો અમેરિકાને એ વ્યક્તિમાં દેશનું હિત જણાશે તો તેમણે ભારત નહીં આવવુ પડે. આ નવી નીતિને કારણે ભારતીય skilled immigrantsમાં ભારે ચિંતા વ્યાપી છે. અમેરિકાની આઈટી કંપનીઓમાં અનિશ્ચિતતા ઉભી થઈ છે.





















