Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારી આવી?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારી આવી?
આજનો મારો પહેલો મુદો છે.. મોંઘવારી આવી? આજે આ મુદો એટલા માટે કેમ કે ભારતમાં મોંઘવારીનો મોરચો ફરી ગરમાયો. એપ્રિલ 2026માં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) પર આધારિત મોંઘવારીનો દર વાર્ષિક ધોરણે વધીને 8.3 ટકા પર પહોંચી ગયો. માર્ચ 2026માં આ દર માત્ર 3.88 ટકા હતો, જે દર્શાવે છે કે માત્ર એક મહિનામાં મોંઘવારીમાં બમણાથી વધુનો ઉછાળો આવ્યો છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ, મોંઘવારીમાં આ વધારા માટે મુખ્યત્વે ઇંધણ અને ક્રૂડ ઓઇલના ભાવ જવાબદાર છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના ભાવમાં 29.37 ટકાનો તોતિંગ વધારો નોંધાયો.
માર્ચની સરખામણીએ એપ્રિલમાં ઇંધણ અને પાવર જૂથમાં મોંઘવારી દર 18.22 ટકા વધ્યો. જોકે, વીજળીના ભાવમાં 2.53 ટકાનો ઘટાડો થતાં સામાન્ય રાહત મળી.
એપ્રિલમાં ફૂડ ઇન્ડેક્સ એટલે કે અનાજ, કઠોળ અને ઉત્પાદિત ખાદ્ય ચીજોમાં માર્ચની સરખામણીએ 2.31 ટકાનો વધારો થયો. જ્યારે માર્ચ મહિનામાં ખાદ્ય મોંઘવારી દર 1.85 ટકા પર સ્થિર રહ્યો હતો. જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં 64.23 ટકા હિસ્સો ધરાવતા મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનોની મોંઘવારીમાં એપ્રિલમાં 1.4 ટકાનો વધારો થયો છે. આ જૂથની 22માંથી 21 પ્રોડક્ટ્સના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
બીજી તરફ, ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) પર આધારિત ભારતનો છૂટક મોંઘવારી દર એપ્રિલમાં 3.48 ટકા નોંધાયો. વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ વધવા છતાં વીજળી, ગેસ અને અન્ય ઇંધણ માટેનો ફુગાવો 1.71 ટકાના નીચા સ્તરે જળવાઈ રહ્યો છે. નિષ્ણાંતોના મતે, જો પશ્ચિમ એશિયામાં તણાવ લાંબો સમય ચાલશે, તો આવનારા દિવસોમાં પરિવહન ખર્ચ વધવાને કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ બોજ પડી શકે છે.
દેશભરમાં લોકોનું ધ્યાન પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ પર હતું, પણ એના પહેલા જ દૂધના ભાવ વધી ગયા. મોંઘવારી હવે સીધી આપણા ઘરના રસોડા સુધી પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં તેની અસર દહીં, પનીર, ઘી જેવી રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર પણ જોવા મળશે. ઈરાન યુદ્ધની અસરથી માત્ર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ જ નહીં, પણ રોજિંદા વપરાતી વસ્તુઓના ભાવ પણ વધવા લાગ્યા છે. અમૂલ અને મધર ડેરીએ ગુરુવાર એટલે કે 14 મે 2026થી દૂધના ભાવ વધારી દીધા છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે દૂધ બાદ અન્ય ડેરી પ્રોડક્ટ્સના ભાવ પણ વધશે. દૂધના ભાવ વધવાથી તેની સીધી અસર દહીં, ઘી, પનીર, મીઠાઈ, ચા, કોફી અને રેસ્ટોરન્ટના ભોજન પર પણ પડશે. એટલે આવનારા સમયમાં ગ્રાહકોને આ તમામ વસ્તુઓ માટે વધારે પૈસા ચૂકવવા પડી શકે છે.
એપ્રિલ મહિનામાં છૂટક ફુગાવો 3.48% ના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો, જેના કારણે ગૃહિણીઓના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું. ખાદ્યપદાર્થોથી લઈને પર્સનલ કેર અને સોના-ચાંદી જેવી કિંમતી વસ્તુઓના ભાવ આસમાને આંબી રહ્યા છે. આ મોંઘવારી શહેરો કરતાં ગામડાઓમાં વધુ જોવા મળી રહી છે, જે સામાન્ય માણસના ખિસ્સા અને બચત પર સીધી અસર કરી રહી છે.
ફક્ત રસોડું જ નહીં, પણ તમારી જીવનશૈલીને લગતી અન્ય વસ્તુઓ પણ હવે મોંઘી થઈ ગઈ છે. ડેટા દર્શાવે છે કે 'પર્સનલ કેર' અને અન્ય વિવિધ વસ્તુઓની કેટેગરીમાં ફુગાવો લગભગ 17.5% જેટલો જોવા મળ્યો. કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી 6% થી વધારીને સીધી 15% કરવામાં આવતા સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઐતિહાસિક ભડકો થયો. નાણા મંત્રાલય દ્વારા ૧૨ મે, ૨૦૨૬ની મોડી રાત્રે આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, અને સુધારેલા નવા દરો ૧૩ મે, ૨૦૨૬ (બુધવાર) થી દેશભરમાં લાગુ કરી દેવામાં આવ્યા. આ ઉપરાંત ચાંદીના દાગીનાનો ફુગાવાનો દર 144% થી ઉપર બોલાઈ રહ્યો છે, જ્યારે સોના, હીરા અને પ્લેટિનમના દાગીનાના ભાવમાં પણ 40% થી વધુનો વધારો જોવા મળ્યો છે. એટલે કે સોનું કે ચાંદી ખરીદવું હવે મધ્યમ વર્ગ માટે બિલકુલ સહેલું નથી રહ્યું.
મોંઘવારીનો આ માર શહેરો કરતાં ગામડાઓમાં વધુ તીવ્ર છે. આંકડાઓ મુજબ, ગ્રામીણ ભારતમાં ફુગાવાનો દર 3.74% રહ્યો છે, જ્યારે તેની સામે શહેરી વિસ્તારોમાં આ દર 3.16% હતો. ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો ત્યાં સામાન્ય રાહત છે, કારણ કે વાહનવ્યવહારનો ફુગાવો હાલમાં સ્થિર છે અને તેમાં થોડો ઘટાડો પણ નોંધાયો છે. છતાં, મૂળભૂત જરૂરિયાતોના વધતા ભાવ સીધી રીતે બચત ખાઈ રહ્યા છે.
ભવિષ્યની વાત કરીએ તો પરિસ્થિતિ હજુ ચિંતાજનક બની શકે છે. ભલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ફુગાવાને 4% ની આસપાસ રાખવાનું લક્ષ્ય ધરાવતી હોય અને હાલનો દર તેનાથી ઓછો હોય, પરંતુ સળંગ બીજા મહિને ફુગાવો વધ્યો છે તે એક ચેતવણી સમાન છે. RBI એ પહેલેથી જ ચેતવણી આપી છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે આવનારા સમયમાં ઈંધણ (પેટ્રોલ-ડીઝલ) ના ભાવ વધી શકે છે. આ ઉપરાંત, અલ નીનોની અસરને કારણે ચોમાસા પર માઠી અસર થવાની શક્યતા છે, જે ભવિષ્યમાં અનાજ અને શાકભાજીના ભાવમાં વધુ ભડકો કરી શકે છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણથી સમગ્ર દુનિયાના દેશને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માઠી અસર પહોંચી છે. ગ્લોબલ લેવલ પર ચિંતાનો માહોલ છે. ક્રૂડની કિંમતમાં ભડકો થયો છે. શાંતિવાર્તાના તમામ પ્રયાસ હોર્મુઝ સ્ટ્રેટ પર આવીને નિષ્ફળ નીવડ્યા હતા. હોર્મુઝને લઈને ન તો ડૉનાલ્ડ ટ્રમ્પ નમતું જોખવા તૈયાર છે, ન તો ઈરાન હથિયાર હેઠા મૂકવાના મૂડમાં છે.આવામાં બન્ને દેશના આર્થિક ફંડનો ખો નીકળી રહ્યો છે.
આ માહોલ વચ્ચે મિડલ ઈસ્ટનું યુદ્ધ મોટું સંકટ બની રહ્યું છે. હવે ઈરાન અને અમેરિકા વચ્ચે આ યુદ્ધ 2027ના વર્ષ સુધી ચાલું રહ્યું કે ખેંચાયું તો ક્રૂડ ઓઈલની કિંમત આશરે 125 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાનું અનુમાન ન કરી શકાય એવા માઠા તેમજ ખરાબ પરિણામ ભોગવવા પડશે. આ શક્યતાઓ વચ્ચે માત્ર આ બે દેશ જ નહીં અન્ય નાના દેશની આર્થિક સ્થિતિના પાયા પણ હચમચી ચૂક્યા છે.
યુદ્ધમાં હુમલાઓ ચાલું રહેવા, ક્રૂડની કિંમત 100 ડૉલર પ્રતિ બેરલ અથવા એથી વધારે. આ બન્ને મુદ્દા પરથી મોંઘવારી પર વધી રહેલા દબાણ પરથી એક ચિત્ર સ્પષ્ટ છે કે, હાલાત આનાથી પણ ખરાબ થવાના છે. આ વર્ષે 2.5 ટકા સુધી વૈશ્વિક ગ્રોથ ઘટી શકે છે, મોંઘવારીનો બોંબ ફૂટી શકે છે.અમેરિકાની ઓઈલ અને ગેસ ઉત્પાદન કરતી કંપની શેવ્રોનના ચેરમેન માઈક વિર્થે કહ્યું હતું કે, હોર્મુઝ બંધ થવાના કારણે દુનિયાભરમાં ક્રૂડ સપ્લાયમાં વિક્ષેપ પડ્યો છે.
માત્ર વસ્તુઓ જ નહીં પણ વસ્તુઓ જેનાથી ખરીદી શકાય છે તે રુપિયો પણ ડોલર સામે સતત ગગડતો જાય છે.. 13 મેના રોજ રૂપિયો ડોલર સામે 25 પૈસા ઘટીને 95.75ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો. આ પહેલા મંગળવારે પણ રૂપિયો 95.50ના ઓલ ટાઈમ લો પર પહોંચ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ 2026ની શરૂઆતથી જ રૂપિયો દબાણમાં છે. ગયા વર્ષે ડિસેમ્બર 2025માં પહેલીવાર રૂપિયો 90ના સ્તરને પાર ગયો હતો. તેનાથી મોંઘવારી વધવાનો ખતરો વધી ગયો છે.





















