(Source: ECI | ABP NEWS)
Hun To Bolish : હું તો બોલીશ : વર્ષ નવું, પરંપરા પ્રાચીન
Hun To Bolish : હું તો બોલીશ : વર્ષ નવું, પરંપરા પ્રાચીન
ગુજરાત સહિત દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે...ફટાકડા ફોડી, મીઠાઈ ખવજાવી દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે...પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં દિવાળી પર ઉજવાતી અલગ અલગ પરંપરા વિશે જો તમે જાણશો તો તમને પણ નવાઈ થશે...આ ત્રણ અલગ અલગ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો..પહેલા દાહોદના આ દ્રશ્યોને જુઓ...જ્યાં આદિવાસી સમાજના લોકો નવા વર્ષના દિવસે પરંપરાગત ગાય ગૌહરીનો ઉત્સવ મનાવે છે.આદિવાસી પરિવારના લોકો આખા વર્ષમાં ખેતી દરમિયાન જીવ હત્યા કે કોઈપણ પશુધનને પોતાના દ્વારા થતી હિંસાની માફી રૂપે પોતે ગાયોના ધણ નીચે સૂઈને દંડવત પ્રણામ કરે છે. અને પોતાના પાપનો પ્રશ્ચાતાપ કરીને પાપમાંથી મુક્ત થઈ શકાય તેવી માન્યતા અનુસાર આ તહેવાર ઉજવવામાં આવે છે. બીજા દ્રશ્યો છે સુરેન્દ્રનગરના જ્યા માલધારી સમાજ દ્વારા ગૌધણની સ્પર્ધા થાય છે. આપણી ધાર્મિક પરંપરામાં ગાયને માતા માનવામાં આવે છે અને એની રજ માથે પડે તો અનેક જન્મોના પાપ બળે તેવી ભાવનાથી ગૌ રજને ગ્રામજનો માથે ચડાવી પ્રસન્નતાનો અનુભવ કરે છે.ત્રીજા દ્રશ્યો છે પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દિવાળીના બીજા દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. વર્ષોની પરંપરા મુજબ આસપાસના 75 ગામના ક્ષત્રિયોને આ અન્નકૂટ રૂપી પ્રસાદને લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. બપોરે મંદિરના દરવાજા ખોલતાંની સાથે જ માત્ર 10-15 મિનિટમાં જ પ્રસાદની લૂંટ કરવામાં આવે છે...અને ચોથી પરંપરા છે વિખ્યાત ઈંગોરિયા યુદ્ધની...સાવરકુંડલામાં લગભગ 150 વર્ષથી આ ઇંગોરીયા યુદ્ધની રમત રમાઈ રહી છે. ઇંગોરીયા એક પ્રકારનો હર્બલ ફટાકડો છે, જે હાથમાં ફળની જેમ પકડીને એકબીજા પર ફેંકવામાં આવે છે. દીવાળીની રાત્રે દેવળા ગેટથી લઈને નાવલી નદી સુધીનો વિસ્તાર આ 'યુદ્ધ'નું મેદાન બની જાય છે. રાત્રીના અંધારામાં ખેલાતી આ અનોખી રમતનો આનંદ લેવા માટે બહારથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે.
ફક્ત દિવાળી જ નહીં અલગ અલગ તહેવારોની ઉજવણીમાં અલગ અલગ પરંપરાઓ થકી થતી હોય છે...આ 2 અલગ અલગ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો...મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામમાં ચૈત્ર માસમાં લગભગ 600 વર્ષ જૂનો એક અનોખો ઉત્સવ જોવા મળે છે, જેનું મુખ્ય આકર્ષણ છે હાથીયા ઠાઠુ મહોત્સવ અને શુકન મેળો. આ મહોત્સવમાં બળદોની હરીફાઈની સ્પર્ધા યોજાય છે, જેના દ્વારા આવનારા વર્ષનું ભવિષ્ય આંકવામાં આવે છે.વાલમ ગામમાં પલ્લવી માતાજી અને સુલેશ્વરી માતાના બે મંદિરો છે, જેમાં વર્ષો પહેલા પલ્લવી માતાજીના મંદિરે દરબાર રાજાના વંશજો હાથી લઈને દર્શન કરવા આવતા હતા. ત્યારબાદ નાગર બ્રાહ્મણો આ મહોત્સવનું આયોજન કરતા હતા અને હાલમાં પાટીદાર સમાજના લોકો આ મહોત્સવ યોજે છે..તો આ તરફ વિશ્વ વિખ્યાત રૂપાલની પલ્લી...સવા પાંચ હજાર વર્ષથી ગાંધીનગરના રૂપાલ ગામે નવરાત્રિના નોમની રાતે વરદાયિની માતાજીની પલ્લી નીકળે છે..પલ્લી ઉપર હજારો મણ ઘીનો અભિષેક કરવામાં આવે છે... જેના કારણે રૂપાલ ગામમાં રીતસર ઘીની નદી વહેવા લાગે છે... જે નિઃસંતાન દંપતિ વરદાયીના માતાજીને ઘી ની બાધા રાખે છે. તેમના ઘરે અચૂક પારણા બંધાવાની અતૂટ માન્યતા છે. અને જે દંપતિને સંતાન પ્રાપ્તિ થાય છે તે દંપતિ તેમના બાળકને અહીં લાવી માતાજીના અચૂક દર્શન કરાવે છે. ભક્તોની શ્રદ્ધાની વાત કરવામાં આવે તો પલ્લીના દર્શન સમયે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. બાળકોને એક હાથે ઊંચકીને પલ્લીની જ્વાળા સુધી લઇ જઈ તેને દર્શન કરાવવામાં આવે છે.
દાહોદની ગાય ગોહરી
દાહોદ જિલ્લામાં વસતા આદિવાસી સમાજના લોકો નવા વર્ષના દિવસે પરંપરાગત ગાય ગૌહરીનો ઉત્સવ મનાવે છે.આદિવાસી પરિવારના લોકો આખા વર્ષમાં ખેતી દરમિયાન જીવ હત્યા કે કોઈપણ પશુધનને પોતાના દ્વારા થતી હિંસાની માફી રૂપે પોતે ગાયોના ધણ નીચે સૂઈને દંડવત પ્રણામ કરે છે. અને પોતાના પાપનો પ્રશ્ચાતાપ કરીને પાપમાંથી મુક્ત થઈ શકાય તેવી માન્યતા અનુસાર આ તહેવાર ઉજવવામાં આવે છે. ગૌધનને મોરપીંછ અને રંગકામથી સજાવ્યા બાદ ગોવાળો દ્વારા નગરમાં લઈ જવામાં આવતા હોય છે. વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર ગાયોની પૂજા કરાય છે. જેને નિહાળવા માટે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડતા હોય છે. ફટાકડાના ધમાકા વચ્ચે ગાયોના ટોળા નીચે લોકો આડા સૂઈ જતા હોય છે. રસ્તા વચ્ચે ઊંઘેલા લોકો પરથી ગાયોનું ટોળું પસાર થઈ જતું હોય છે. લોકોની કીકીયારી વચ્ચે ગૌમાતા પર અતુટ વિશ્વાસ હોવાથી ગૌહરી પડનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી. પરંતુ ગૌહરી પડનાર વ્યક્તિઓ ગૌવંશનું ટોળું તેની ઉપરથી પસાર થયા બાદ પોતે ધન્યતા અનુભવતા હોય છે.
-------------------------------------
પશુ દોડાવવાની પરંપરા સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું રણ કાંઠાનું છેવાડાનું ગામ આદરિયાણા વર્ષોની પરંપરાને જાળવી રહ્યું છે. બેસતા વર્ષે તમામ સમાજના આગેવાનો, વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવો, શ્રેષ્ઠીઓ, ગ્રામજનો મંદિર અથવા પવિત્ર જગ્યાએ ભેગા થાય છે અને ત્યાં ગામડાના વિવિધ પ્રશ્નોની રજૂઆત થાય છે. જેને ગામઠી ભાષામાં "ડાયરો" કહેવામાં આવે છે. ત્યારબાદ સમગ્ર ગ્રામજનો ભેગા થઈ ગામની બહાર પાદરમાં ભેગા થાય છે અને અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવે છે. માલધારી સમાજ દ્વારા ગૌધણની સ્પર્ધા થાય છે. આપણી ધાર્મિક પરંપરામાં ગાયને માતા માનવામાં આવે છે અને એની રજ માથે પડે તો અનેક જન્મોના પાપ બળે તેવી ભાવનાથી ગૌ રજને ગ્રામજનો માથે ચડાવી પ્રસન્નતાનો અનુભવ કરે છે.
---------------------------------
ડાકોર પ્રસાદ લૂંટ પરંપરા
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દિવાળીના બીજા દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. વર્ષોની પરંપરા મુજબ આસપાસના 75 ગામના ક્ષત્રિયોને આ અન્નકૂટ રૂપી પ્રસાદને લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. બપોરે મંદિરના દરવાજા ખોલતાંની સાથે જ માત્ર 10-15 મિનિટમાં જ પ્રસાદની લૂંટ કરવામાં આવે છે..આ વર્ષે માત્ર 11 મિનિટના ટૂંકા ગાળામાં 151 મણનો સમગ્ર અન્નકૂટ પ્રસાદની લૂંટ ચલાવાઈ હતી. આ અન્નકૂટમાં બુંદી, ભાત, વિવિધ મીઠાઈઓ અને પકવાનોનો મહાપ્રસાદ સામેલ હોય. ગોવર્ધન પર્વતને શ્રીકૃષ્ણ ભગવાને ટચલી આંગળીએ ઊંચક્યો હતો, તેની યાદમાં આ પરંપરા ચાલી આવે છે.આ પ્રથા આશરે 250 વર્ષ થી, એટલે કે હાલના મંદિરના નિર્માણકાળથી ચાલી આવે છે.ભગવાનને ધરાવાતા આ અન્નકૂટમાં આસપાસના વિસ્તારના ખેતરના માલિકો પોતાના પાકનો પહેલો ફાલ ભગવાનને ધરાવે છે. લૂંટેલા આ પવિત્ર પ્રસાદને લઈ જનાર લોકો પોતાના પરિવારજનો, જરૂરિયાતમંદો અને પશુઓને ખવડાવે છે, તેમજ ઘરે પરત ફરતી વખતે બહાર ઊભેલા અન્ય ભક્તોને પણ પ્રસાદી આપે છે. ગુજરાતમાં માત્ર ડાકોરનું મંદિર જ એકમાત્ર એવું છે, જ્યાં પ્રસાદ વહેંચાતો નથી, પણ લૂંટવામાં આવે છે.
------------------------------------------
ઈંગોરિયા યુદ્ધ, સાવરકુંડલા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં વર્ષોથી એક અનોખી અને રોમાંચક પરંપરા ચાલી આવી છે – 'ઇંગોરીયા યુદ્ધ' રમવાની. દિવાળીની રાત્રે અહીં જાણે રણમેદાનમાં યુદ્ધ ખેલાતું હોય તેવો માહોલ સર્જાય છે, જે હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના દ્રશ્યોની યાદ અપાવે છે.સંત અને શૂરાની ભૂમિ ગણાતા સાવરકુંડલામાં લગભગ 150 વર્ષથી આ ઇંગોરીયા યુદ્ધની રમત રમાઈ રહી છે. ઇંગોરીયા એક પ્રકારનો હર્બલ ફટાકડો છે, જે હાથમાં ફળની જેમ પકડીને એકબીજા પર ફેંકવામાં આવે છે. દીવાળીની રાત્રે દેવળા ગેટથી લઈને નાવલી નદી સુધીનો વિસ્તાર આ 'યુદ્ધ'નું મેદાન બની જાય છે. રાત્રીના અંધારામાં ખેલાતી આ અનોખી રમતનો આનંદ લેવા માટે બહારથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે.
----------------------------------
હાથીયા ઠાઠુની પરંપરા, વાલમ, મહેસાણા
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામમાં ચૈત્ર માસમાં એક અનોખો ઉત્સવ જોવા મળે છે, જેનું મુખ્ય આકર્ષણ છે હાથીયા ઠાઠુ મહોત્સવ અને શુકન મેળો. આ મહોત્સવમાં બળદોની હરીફાઈની સ્પર્ધા યોજાય છે, જેના દ્વારા આવનારા વર્ષનું ભવિષ્ય આંકવામાં આવે છે. પાટીદાર સમાજના ભાઈઓ આ મહોત્સવ પછલા 600 વર્ષથી ઉજવી રહ્યા છે.હાથીયા ઠાઠુ મહોત્સવનો ઇતિહાસ ઘણો જૂનો છે. વાલમ ગામમાં પલ્લવી માતાજી અને સુલેશ્વરી માતાના બે મંદિરો છે, જેમાં વર્ષો પહેલા પલ્લવી માતાજીના મંદિરે દરબાર રાજાના વંશજો હાથી લઈને દર્શન કરવા આવતા હતા. ત્યારબાદ નાગર બ્રાહ્મણો આ મહોત્સવનું આયોજન કરતા હતા અને હાલમાં પાટીદાર સમાજના લોકો આ મહોત્સવ યોજે છે. સાત દિવસ ચાલતા આ મહોત્સવમાં શુકન જોવાનું પણ એક મહત્વપૂર્ણ ઘટના છે.
------------------------------------
પલ્લી પરંપરા, ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ માં આવેલું શ્રી વરદાયિની માતાનું પૌરાણિક મંદિર તેની સુપ્રસિદ્ધ પલ્લી યાત્રા માટે જગતભરમાં જાણીતું છે. દર વર્ષે શારદીય નવરાત્રી દરમિયાન, આસો સુદ નોમની મધ્યરાત્રિ બાદ યોજાતી આ ઐતિહાસિક યાત્રામાં લાખો મણ શુદ્ધ ઘી નો અભિષેક કરવામાં આવે છે. આ ઘીની પલ્લી યાત્રાનો પ્રવાહ એટલો વિશાળ હોય છે કે તે 'ઘીની નદી' તરીકે ઓળખાય છે, જે મહાભારત કાળથી લઈને આજ દિન સુધી અવિરતપણે ચાલુ છે. જે નિઃસંતાન દંપતિ વરદાયીના માતાજીને ઘી ની બાધા રાખે છે. તેમના ઘરે અચૂક પારણા બંધાવાની અતૂટ માન્યતા છે. અને જે દંપતિને સંતાન પ્રાપ્તિ થાય છે તે દંપતિ તેમના બાળકને અહીં લાવી માતાજીના અચૂક દર્શન કરાવે છે. ભક્તોની શ્રદ્ધાની વાત કરવામાં આવે તો પલ્લીના દર્શન સમયે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. બાળકોને એક હાથે ઊંચકીને પલ્લીની જ્વાળા સુધી લઇ જઈ તેને દર્શન કરાવવામાં આવે છે.




















