Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
ખામેનીનું મોત, 40 કમાન્ડર ઠાર
ઇઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હુમલામાં છેલ્લા એક દિવસમાં ઇરાન પર 1,200થી વધુ બોમ્બ ફેંક્યા. આ હુમલાઓમાં સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીનું મૃત્યુ થયું. શનિવારે તેમના ઓફિસ કોમ્પ્લેક્સ પર 30 મિસાઈલોથી હુમલો થયો હતો. હુમલામાં તેમની પુત્રી-જમાઈ, પુત્રવધૂ અને પૌત્રી સહિત કોમ્પ્લેક્સમાં હાજર 40 કમાન્ડરો પણ માર્યા ગયા..ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ શનિવારે મોડી રાત્રે ખામેનીના મૃત્યુની વાત કહી હતી. તેના થોડા સમય પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ તેમના મૃત્યુનો દાવો કર્યો હતો. ઇતિહાસના સૌથી ક્રૂર માણસ આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું તેવું ટ્રમ્પે કહ્યું. ઈરાની જનતાને રસ્તાઓ પર ઉતરીને પોતાના દેશ પર કબજો જમાવવા પણ તેણે અનુરોધ કર્યો. તો ઈરાનના વિદેશમંત્રીએ કહ્યું ખામેનેઈનો રસ્તે ચાલવાનું ચાલુ રહેશે.
-----------------------
મસ્જિદ પર લાલા ઝંડો
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના મૃત્યુ પછી ઈરાનની જામકરન મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવવામાં આવ્યો છે. આ ઝંડો ઇસ્લામિક ક્રાંતિના નેતાના લોહીનો બદલો લેવાનું પ્રતીક છે.
---------------------------------
પાકિસ્તાન અને ભારતમાં ખામેનીના મોતના વિરોધમાં પ્રદર્શનો
પાકિસ્તાનમાં મોટી વસ્તી ઇરાનમાં ખામેનીના મૃત્યુથી ગુસ્સે છે અને આ ગુસ્સો કરાચીમાં યુએસ દૂતાવાસની બહાર સ્પષ્ટ દેખાતો હતો. ગુસ્સે ભરાયેલા વિરોધીઓએ યુએસ કોન્સ્યુલેટનો મુખ્ય દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો અને પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.આ હિંસક વિરોધમાં 19 લોકો માર્યા ગયા અને 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. લાહોરમાં પણ ઉગ્ર પ્રદર્શનો થયા. ઈસ્લામાબાદમાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો તો સામે પોલીસે આંસૂ ગેસના સેલ છોડ્યા.
PoKમાં ખામેનીના મોતના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અહીં સ્કાર્ડુ શહેરમાં લોકોએ અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે.
કાશ્મીરમાં હજારો શિયા મુસ્લિમોએ ઈરાની સુપ્રીમ લીડર ખામેનીના મૃત્યુ વિરુદ્ધ રસ્તાઓ પર પ્રદર્શન કર્યું. લોકો લાલ, કાળા અને પીળા ઝંડા લઈને શ્રીનગરના મુખ્ય ચોકમાં એકઠા થયા. તેમણે ઇઝરાયલ અને અમેરિકા વિરુદ્ધ નારા લગાવ્યા.
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના મોત અંગે શિયા સમુદાયના સભ્યોએ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું. લોકોએ કહ્યું કે ઇસ્લામિક દેશના સર્વોચ્ચ ધાર્મિક નેતાનું મૃત્યુ એક ગંભીર વૈશ્વિક ઘટના છે, જેનાથી રાજકીય અને સામાજિક ચિંતાઓ ફેલાઈ છે. કર્ણાટકના બેંગલુરૂ અને ઉત્તરાખંડના દહેરાદૂનમાં પણ શિયા મુસ્લિમોએ વિરોધ પ્રદર્શનો કર્યા..
------------------------------
ફ્લાઈટ્સ રદ
દુબઈ એરસ્પેસ બંધ થવાની અસર ભારત પર જોવા મળી છે. ઈરાન એરસ્પેસ પરના પ્રતિબંધો વચ્ચે 410 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ભારતે પશ્ચિમ એશિયા એરસ્પેસ પરના પ્રતિબંધોને કારણે 400થી વધુ ફ્લાઈટ્સ રદ કરી. દુબઈ દરરોજ 2000થી વધુ ફ્લાઈટ્સ હેન્ડલ કરે છે. ગલ્ફ રિજન એશિયા-યુરોપ-આફ્રિકા-નોર્થ અમેરિકાને જોડતો એક મહત્વપૂર્ણ એવિએશન કોરિડોર છે. ઈન્ડિગોએ અલ્માટી, બાકુ, તાશ્કંદ, ત્બિલિસીની ફ્લાઈટ્સ રદ કરી છે. આ સસ્પેન્શન 28 માર્ચ સુધી લંબાવવામાં આવ્યું છે.
----------------------------
ગુજરાતીઓ ફસાયા
રમઝાન માસ દરમિયાન મક્કા-મદીના ઉમરાહ બંદગી માટે ગયેલા ગુજરાતના 700 થી 800 યાત્રાળુઓ ત્યાં ફસાયા છે. જેમાં અમદાવાદના 55, ભાવનગરના 100 થી 125 યાત્રાળુઓ છે. તો અંદાજે 3000 ગુજરાતીઓ દુબઈ અને અબુધાબીમાં ફસાયા છે જેઓ ત્યાં ફરવા ગયા હતા. મોરબીના 10 લોકો દુબઈમાં ફસાયા છે. વડોદરાના સાંસદ હેમાંગ જોષી તેમજ વલસાડના સાંસદ ધવલ પટેલે ફસાયેલા ગુજરાતીઓને મદદ માટે હેલ્પલાઈન નંબર પણ સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરી જાહેર કર્યો છે. જે લોકો ફસાયા છે તેમના પરિવારો ચિંતિંત છે. પણ ફ્લાઈટ્સ બંધ હોવાથી તેઓ પરત આવી શકતા નથી.
-------------------------
આ યુદ્ધને કારણે અનેક ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઈરાન અને ઈઝરાયલ ઉપરાંત અબુધાબી, દુબઈ, બહેરીન, કતાર અને અન્ય ગલ્ફ દેશોમાં ડ્રોન હુમલાઓ, મિસાઈલ અને હવાઈ હુમલાના સતત અહેવાલો મળ્યા કરે છે, ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતી સમુદાયના સભ્યો રહે છે. ભારત સરકાર અને રાજ્ય સરકારે તેમની સલામતી, સુરક્ષા અને તેમના વ્યવસાયો અને કાર્યસ્થળોના રક્ષણ માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ તેવી માગ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી છે.























