Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
ગૃહ વિભાગના નિવૃત સેક્શન ઓફિસર પ્રકાશભાઈ નાયકે અડાલજ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી...અને આ ઘટનામાં નિવૃત પોલીસ સબ ઈન્સ્પેક્ટર શૈલેષ બચુભાઈ નાયક સામે મરવા મજબૂર કરવાનો અને વ્યાજખોરીનો ગંભીર ગુનો સાંતેજ પોલીસ મથકે નોંધાયો...મૃતક પ્રકાશભાઈએ બે પેજની સુસાઇડ નોટ લખી જેમાં ચોંકાવનારા ખુલાસા થયા...સુસાઈડ નોટમાં ઉલ્લખે કરવામાં આવ્યો છે કે માત્ર 10 લાખ રૂપિયાના ધિરાણ સામે 90 લાખ વસૂલ્યા બાદ પણ વ્યાજખોર નિવૃત PSI દ્વારા વધુ દોઢ કરોડની માંગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતો... આટલું જ નહીં, વ્યાજખોર નિવૃત્ત પોલીસ અધિકારીએ ગૃહવિભાગના પૂર્વ સેક્શન અધિકારીના પુત્ર જ્વાલિનને ગાડીમાં બેસાડીને સેકટર 4માં નોટરી પાસે લઈ જઇ સરગાસણના ફ્લેટનો કબ્જા સાથેના બાનાખત કરાવી લીધો હતો. જેમાં પત્નીની સહી પણ જ્વાલિન પાસે કરાવી હોવનો ઉલ્લેખ પણ સુસાઈડ નોટમાં કરવામાં આવ્યો છે
ગાંધીનગરના સરગાસણની મેઘ મલ્હાર સોસાયટીમાં રહેતો 32 વર્ષીય જ્વાલિન પ્રકાશભાઈ નાયક સાબરમતી ગેસ લીમીટેડ ખાતે નોકરી કરે છે. જેના પિતા પ્રકાશભાઇ ભગવાનદાસ નાયક આશરે પાંચેક વર્ષ અગાઉ ગુજરાત રાજ્યના ગૃહવિભાગમાં સેક્શન ઓફિસર તરીકે વી.આર.એસ. લઇ નિવૃત થયા હતાં. આજથી એકાદ વર્ષ પહેલા શેરબજારમાં રોકાણ કરવા રૂપિયાની જરૂરીયાત હોવાથી જ્વાલિને સમાજના રીટાયર્ડ PSI શૈલેષભાઈ બચુભાઈ નાયક પાસેથી 10 લાખ માસિક 10 ટકા વ્યાજે લીધા હતાં...જે બાદ આ આખો વ્યાજનો ખેલ ચાલુ થયો...
જ્યારે તપાસ કરવામાં આવી તો નિવૃત્ત પીએસઆઇ શૈલેષ નાયકના ઘરે જોવા મળ્યુ ખંભાતી તાળું...પોલીસ ફરિયાદ નોંધાયા બાદ નિવૃત પીએસઆઇ સહ પરિવાર ઘરેથી ફરાર
----------------------------
કચ્છના ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દિપેશ ભટ્ટે 5 માર્ચે રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. મૃતકની પત્ની દીપાબેન ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે 18 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વ્યાજના વિષચક્રમાં ફસાવી મરવા મજબુર કરાયા હોવાનો ઘટસ્ફોટ કર્યો...પોલીસે એક આરોપી પ્રકાશ મોદીની ધરપકડ કરી....નોંધાયેલી ફરિયાદ મુજબ વ્યાજખોરોનો અસહ્ય ત્રાસ અને વ્યવસાયમાં જાણીજોઈને કરાયેલા આર્થિક નુકસાનને કારણે દિપેશભાઈએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું..મૃતકની પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે જેમાં બાલાજી વેફર્સની એજન્સી ચલાવતા દિપેશભાઈને માલ સમયસર ન પહોંચાડીને અને તેમની બાજુમાં જ બીજું ગોડાઉન ખોલાવીને આર્થિક પાયમાલ કરવામાં આવ્યા.... જેમાં કટારીયા એન્ટરપ્રાઇઝના સંચાલકો અને એસ.આર. વિપુલભાઈની સંડોવણી હોવાનો આરોપ છે...કરણ આહીર નામના શખ્સ પાસે પત્નીના સોનાના દાગીના ગીરવે રાખ્યા હતા. મુદ્દલ કરતા વધુ વ્યાજ ચૂકવ્યા છતાં દાગીના પરત ન આપી જાનથી મારવાની ધમકી અપાઈ...નટુભા સોઢાએ આદિપુરના મકાનના અસલ દસ્તાવેજો રાખી લીધા હતા અને વ્યાજ માટે સતત ત્રાસ આપતા...અન્ય વ્યાજખોરો હિતેશ રાજકોટીયાએ ચેક બાઉન્સ કરાવી જેલમાં નાખવાની ધમકી આપી... જ્યારે પ્રકાશ મોદી લોન કરાવી આપીને અડધી રકમ પોતે રાખી લેતો હતો...દિપેશભાઈએ સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં આ તમામ લોકોના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. પત્નીએ જણાવ્યું કે, અંતિમ વિધિમાં વ્યસ્ત હોવાથી ફરિયાદમાં વિલંબ થયો...તેમણે રૂપેશભાઈ કટારીયા એન્ટરપ્રાઇ, કલ્પેશભાઈ કટારીયા એન્ટરપ્રાઇઝ, અંકિતા મેડમ કટારીયા એન્ટરપ્રાઇઝ, વિપુલભાઈ મુંદરા, કરણ ડાયાલાલ આહીર, કરણના પિતા, આનંદ, નટુભા સોઢા, કલ્પેશ મુળજી ઠક્કર આદિપુર, દર્શન બળવંત ઠક્કર, ધર્મેન્દ્રસિંહ ભાટી, ક્રિપાલસિંહ, રોશની આનંદ ભટ્ટ, ભીખુભાઈ, ચંદ્રસિંહ બાપુ, મુકેશ મીરાણી ગણેશ એજન્સી, હરેશ મીરાણી ગણેશ એજન્સી, હીતેશ રાજકોટીયો, પ્રકાશભાઈ મોદી આદિપુર (લોન કન્સલ્ટન્ટ) વિરૂધ્ધ પોતાના પતિને મરવા મજબુર કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે...
દર્શન બળવંત ઠક્કરના પિતા બળવંત ઠક્કર ગાંધીધામ નગરપાલિકાના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે...જ્યારે આરોપી કલ્પેશ મુળજી ઠક્કરના પિતા મૂળજી ભાઈ ગાંધીધામ શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે.
--------------
3 માર્ચે મહેસાણાના કડીમાં વ્યાજખોરોના ત્રાસથી ફેબ્રિકેશન વેપારી કમલેશ પરમારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી...મૃતકના ભાઈએ 9 વ્યાજખોરો સામે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી..26 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે તેઓ કડી મામલતદાર કચેરી પાસે આવેલી તેમની દુકાનેથી અચાનક ગુમ થઈ ગયા હતા. તેમની દુકાનેથી તેમનો મોબાઈલ, બાઇક અને પોતાના હસ્તાક્ષરમાં લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી...જેમાં આરોપીઓએ તેમની પાસેથી 20 ટકા વ્યાજ ગણીને લાખો રૂપિયાની માંગણી કરી હતી. છેલ્લા દોઢ વર્ષથી આરોપીઓ કમલેશભાઈના ઘરે અવારનવાર આવીને પઠાણી ઉઘરાણી કરતા હોવાનો પણ ઉલ્લેખ કરાયો
---------------------------------------
તો 1 માર્ચે મહેસાણાના બેચરાજીના રણેલાના યુવક સંદીપ પટેલ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી...સ્યુસાઇડ નોટમાં રાજપુત યુવરાજસિંહ, શક્તિસિંહ તથા પ્રકાશસિંહ દરબારે સંદીપને ઊંચા વ્યાજે નાણાં આપી કડક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનો અને ઊંચું વ્યાજ આપવાની પરિસ્થિતિમાં ન હોવાથી અંતિમ પગલું ભરી દવા પી આત્મ હત્યા કરી હોવાનો ઉલ્લેખ હતો






















