Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
ભાવનગરના મહુવામાં સરકારી અનાજનું સંગ્રહ કરેલ ખાનગી ગોડાઉન ઝડપાયુ છે જેમાં અંદાજે 20 લાખ 99 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે જ્યારે બીજો કિસ્સો મહેસાણાનો છે જ્યાં ગરીબોના હકનું અનાજ ગરીબો પાસેથી જ ઓછા ભાવે ખરીદી બજારમાં ઉંચા ભાવે ખુલ્લેઆમ વેચાણનો પર્દાફાશ કર્યો છે સંવાદદાતા હારૂન નાગોરીએ
ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાના નેશનલ હાઇવે નજીક આવેલા ઉમણીયાવદર પેટ્રોલ પંપ સામે આવેલા એક ગોડાઉનમાં સરકારના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ફાળવવામાં આવતું રેશનનું અનાજ મોટા પ્રમાણમાં સંગ્રહ કરી રાખવામાં આવ્યું હતું. એક જાગૃત નાગરિકે પોલીસમાં જાણ કરતાં મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અંદાજે 32 હજાર 491 કિલો ઘઉં, 8 હજાર 400 કિલો ચોખા, 843 કિલો બાજરી, 850 કિલો ચણા અને 1 હજાર 350 કિલો તુવેર દાળ મળી આવી હતી. ગોડાઉનમાં રહેલા વાહનો સહિત કુલ અંદાજે 20 લાખ 99 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગોડાઉન ભાડે રાખનાર અને અનાજનો સંગ્રહ કરનાર અફઝલભાઈ નામના વ્યક્તિ દ્વારા અમુક જણસીના બિલો રજૂ કરવામાં આવ્યા છે. સાથે જ અમુક જથ્થો ખેડૂતો પાસેથી ખરીદ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. જોકે, રજૂ કરવામાં આવેલા બિલોની હાલ પુરવઠા વિભાગ દ્વારા ખરાઈ કરવામાં આવી રહી છે. અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો, કોની પાસેથી ખરીદવામાં આવ્યો અને તેની ખરીદી અંગે રજૂ કરાયેલા દસ્તાવેજો કેટલા પ્રમાણમાં સાચા છે, તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
સરકાર ગરીબ પરિવારો માટે કરોડો રૂપિયાનું મફત અનાજ ફાળવે છે, જેથી કોઈ ગરીબ ભૂખ્યો ન સૂવે. પરંતુ, આ જ ગરીબોના હકનું અનાજ ખુલ્લેઆમ બજારમાં વેચાઈ રહ્યું છે! આ મફત અનાજનો કાળો કારોબાર અત્યારે સમગ્ર રાજ્યમાં નેટવર્કની જેમ ફેલાઈ ગયો છે. એબીપી અસ્મિતાના કેમેરામાં 19 જુલાઈના રોજ મહેસાણાના સૂરપૂરા ગામમાં આ કાળો કારોબાર લાઈવ કેદ થયો છે. જેમાં સરકારી અનાજ ગરીબો પાસેથી સસ્તા ભાવે ખરીદી ઉંચા ભાવે વેચવામાં આવતુ- જોઈએ સંવાદદાતા હારુન નાગોરીનો રિપોર્ટ-
અમારા સંવાદદાતાએ જ્યારે તપાસ કરી, ત્યારે ચંદ્રોળા ગામમાં સરકારી અનાજનો ગેરકાયદે વેપલો કરતા ફેરીયાઓ રંગેહાથ કેદ થયા. હવે જરા જુઓ આ બીજી લોડિંગ રિક્ષાને... જેમાં 200 કિલોથી વધુ સરકારી અનાજ ભરેલું છે. આ ફેરીયાઓની મોડસ ઓપરેન્ડી, ગામમાં જ્યારે સસ્તા અનાજની દુકાન શરૂ થાય, તેના બરાબર બે જ દિવસમાં આ ફેરીયાઓ સક્રિય થઈ જાય છે. તેઓ ગરીબો પાસેથી નજીવા ભાવે અનાજ ખરીદે છે અને પછી બજારના વેપારીઓને ઊંચા ભાવે વેચી મારે છે. જ્યારે અમારા સંવાદદાતાએ સરકારી અનાજ ખરીદતા ફેરીયાની આકરી પૂછપરછ કરી, ત્યારે ગભરાઈ ગયેલા ફેરીયાએ તેના મુખ્ય વેપારી સાથે ફોન પર વાત કરાવી હતી. જરા સાંભળો, આ કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર ફોન પર કેવો સોદો કરી રહ્યો છે.