Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
ગુજરાત વન વિભાગે વન્યજીવોના સંરક્ષણ અને ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. દક્ષિણ ગુજરાતના વન વિસ્તારોમાં દીપડા અને અન્ય હિંસક પ્રાણીઓની વસ્તીને ધ્યાનમાં રાખીને વન્યજીવ વ્યવસ્થાપન અંતર્ગત આ મોટો નિર્ણય લેવાયો છે. સુરત જિલ્લાના જંગલોમાં શિકારી પ્રાણીઓ માટે ખોરાકની અછત ન સર્જાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
સાસણ ગીરથી સુરતના માંડવી લવાયા 50 ચિત્તલ
સૌરાષ્ટ્રના પ્રખ્યાત સાસણ ગીર નેચરલ હેબિટેટમાંથી ખાસ તકેદારી સાથે 50 ચિત્તલને સુરત લવાયા હતા. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આ તમામ 50 ચિત્તલને સુરત જિલ્લાના માંડવીના જંગલોમાં મુક્ત કરવામાં આવ્યા છે. આ પગલાથી જંગલની ખાદ્ય શૃંખલા વધુ સંતુલિત બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
ત્રણ તબક્કામાં ચિત્તલ છોડાયા
વન વિભાગની ટીમે મે અને જૂન મહિના દરમિયાન ત્રણ તબક્કામાં એટલે કે 23 મેના રોજ 21, 18 જૂને 16 અને 24 જૂને 13 ચિત્તલને જંગલમાં છોડયા હતા. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ આ સ્થાનાંતરણ કરવામાં આવ્યું છે. વન વિભાગે સ્થાનિક સ્તરે સંખ્યા વધારવા ચિત્તલ સંવર્ધન કેન્દ્ર પણ કાર્યરત કર્યું છે. હરણોને આખું વર્ષ પીવાનું પાણી મળી રહે તે માટે જંગલમાં 10 કાયમી વોટર પોઈન્ટ્સ વિકસાવવામાં આવ્યા છે, કટોકટીના સમયે તાત્કાલિક મદદ માટે આધુનિક સાધનોથી સજ્જ ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત કરાઈ છે. હાલમાં ખાસ ફોરેસ્ટ ગાર્ડ્સ, પ્રશિક્ષિત ટ્રેકર્સ અને વ્યૂહાત્મક સ્થળોએ ગોઠવાયેલા કેમેરા ટ્રેપ્સ દ્વારા આ હરણોની હિલચાલ, રહેઠાણ અને સ્વાસ્થ્ય પર સતત અને સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે.
માનવ અને વન્યજીવ વચ્ચેનો સંઘર્ષ ઘટશે
છેલ્લા કેટલાક સમયથી ખોરાક અને પાણીની શોધમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓ જંગલ છોડીને માનવ વસાહતો અને ગામડાઓ તરફ આવી જતા હોવાની ઘટનાઓ વધી હતી. આ માનવ-વન્યજીવ સંઘર્ષને રોકવા માટે આ એક લાંબાગાળાની શ્રેષ્ઠ પહેલ સાબિત થશે. દીપડા જેવા શિકારી પ્રાણીઓને જંગલની અંદર જ પૂરતો ખોરાક મળી રહેશે, જેથી તેઓ રેસિડેન્શિયલ એરિયા તરફ દોડી આવતા અટકશે અને ગ્રામીણ લોકો પણ સુરક્ષિત રહેશે.
કુદરતી શિકારની ઉપલબ્ધતાથી વન્યજીવનો જંગલમાં જ વસવાટ
વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, વન્યજીવ માટે જંગલની અંદર જ કુદરતી શિકાર મળી રહે તેવો આ સરાહનીય પ્રયાસ છે. જંગલમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવાથી હિંસક વન્યપ્રાણીઓને તેમનો કુદરતી ખોરાક સરળતાથી ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટના કારણે દીપડાઓ પોતાના મૂળ કુદરતી આવાસમાં જ રોકાઈ રહેશે, જેનાથી જંગલના જૈવિક સંતુલનની સાથે વન્યજીવ પ્રવાસનને પણ વેગ મળી શકે છે.





















