Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટથી રાજ્યની બહેનોને નવરાત્રિની ભેટ આપી છે. રાજ્યના 27 જિલ્લાઓના બસ સ્ટેશનો પર સખીમંડળો દ્વારા સંચાલિત આશરે 136 ગ્રામહાટનું મુખ્યમંત્રીએ ઈ-લોકાર્પણ કર્યું હતું. આ પહેલથી મહિલાઓને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે વધુ સારી તક મળશે અને મહિલા સશક્તિકરણને વેગ મળશે. રાજકોટમાં આયોજિત કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર લોકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ જાહેર કરે છે, પરંતુ નાગરિકો તેનો પૂરતો લાભ લેતા નથી. બીમારી આવે ત્યારે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે દોડાદોડી કરવી પડે છે. સરકારી યોજનાઓ અંગે જાગૃત રહી સમયસર લાભ લેવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો હતો. સરકાર હંમેશા નાગરિકોની સાથે ખડેપગે ઊભી રહેશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.





















