Hun To Bolish | હું તો બોલીશ | ગાય, ભેંસનું નહીં, યુરિયાનું દૂધ
સાબરકાંઠા જિલ્લામાં નકલી દૂધ અને દૂધની બનાવટોના ધમધમતા કાળા કારોબારનો મોટો પર્દાફાશ થયો છે. પ્રાંતિજ તાલુકાના સલાલ ગામમાં આવેલી ખાનગી ફેક્ટરી “સત્યા ડેરી પ્રોડક્ટ્સ”માં પોલીસે દરોડો પાડીને નકલી દૂધ બનાવવાની સંપૂર્ણ ગેરકાયદેસર પ્રવૃત્તિને ઝડપી પાડી છે. આ ફેક્ટરીમાંથી રોજ 1700થી 1800 લીટર નકલી દૂધ અને છાશનું ઉત્પાદન થતું હતું, જેને “તાજા” અને “ગોલ્ડ મિલ્ક” જેવા આકર્ષક નામો અને પેકેજિંગમાં ગુજરાતભરમાં વેચાણ કરવામાં આવતું હતું. અહીં સરસ આકર્ષક પેકિંગ તાજા અને ગોલ્ડ મિલ્કના નામે તૈયાર કરીને અલગ અલગ પાર્લર પર વેચાણ કરવામાં આવતા હતા. ડિટર્જન્ટ અને યુરિયાનું જીવલેણ મિશ્રણ ખરીને સફેદ પ્રવાહી (નકલી દૂધ) તૈયાર કરવામાં આવતું હતું. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું કે આ નકલી દૂધ બનાવવા માટે યુરિયા ખાતર, ડિટર્જન્ટ પાવડર, કોસ્ટિક સોડા, દૂધનો પાવડર અને પામોલિન તેલ જેવા ખતરનાક અને બિનખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ બધા પદાર્થોને મિક્સ કરીને સફેદ રંગનું પ્રવાહી તૈયાર કરવામાં આવતું અને તેને દૂધ તરીકે બજારમાં ઉતારવામાં આવતું હતું.























