Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
રાજ્યના 147 તાલુકામાં મેઘરાજાએ દસ્તક આપી. 6 તાલુકામાં 10 ઈંચથી વધુ તો 20 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. 25 તાલુકામાં 2 થી 5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો. 17 તાલુકામાં 1 થી 2 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ડાંગના વઘઈમાં 13.5 ઈંચ વરસાદ, તો સુરતના અંબિકા તાલુકામાં 12.5 ઈંચ વરસાદ.
રાજ્યમાં રાત્રે 10 વાગ્યા સુધીમાં મેઘરાજા બોલાવશે ભુક્કા.... હવામાન વિભાગે સાત વાગ્યે જાહેર કરેલા બુલેટિન પ્રમાણે... રાજ્યના 4 જિલ્લા જુનાગઢ, ગીર સોમનાથ, નર્મદા,છોટાઉદેપુર માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે... એટલે કે આ ચાર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે... તો આ સિવાય રાજ્યના 29 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ એટલે કે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ ખાબકી શકે છે... જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે મેઘરાજા બેટિંગ કરી શકે છે..
ગીર સોમનાથ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ..વેરાવળમાં 20 કલાકમાં 30 ઈંચ વરસાદ નોંધાયો. સતત વરસી રહેલા વરસાદથી વેરાવળ શહેરના મુખ્ય માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા.. તો ગાંધી ચોક વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાતા રાહદારીઓ અને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. આ સિવાય નગરપાલિકા વિસ્તાર, રાજેન્દ્ર ભુવન રોડ પર પણ ગોઠણસમા વરસાદી પાણી ભરાયા..નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં જ વરસાદી પાણી ભરાતા પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ.. તો તાલાલા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા..
સુત્રાપાડામાં વરસ્યો મુશળધાર વરસાદ.. મુશળધાર વરસાદને પગલે કનેહર વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાયા..તો નવાપરા વિસ્તારના રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘુસ્યા.. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસતા ઘરવખરી સહિતનો સામાન પલળી ગયો.. વાવડી ગામના અનેક ખેતરોમાં ગોઠણ સુધીના પાણી ભરાયા.. ધોધમાર વરસાદથી સુત્રાપાડા-વાવડી સ્ટેટ હાઈવે પરનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો.. સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થયો.. આ તરફ વેરાવળ-ભાવનગર હાઈવે પરના પુલ પરની દીવાલ ધરાશાયી થઈ..
સુત્રાપાડાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો.. ખેતરોમાં વરસાદી પાણી ભરાયા.. તો વાવડી ગામને જોડતા મુખ્ય રસ્તાઓ પર પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું..
સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાય.. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા સ્થાનિક પ્રશાસનની ટીમ દોડતી થઈ.. મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓએ છ જેટલા જેસીબીની મદદથી પાણી નિકાલની કવાયત હાથ ધરી..
ભારે વરસાદથી પ્રભાસ પાટણ પણ જળમગ્ન થયું.. ગુલાબનગર, લખાતી વાડી, સાઈન કોલોની સહિતના વિસ્તારો જળબંબાકાર થયા.. વરસાદી પાણીના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા સ્થાનિકને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. વરસાદી પાણી ભરાતા સ્થાનિક નગરસેવકે પણ પ્રિ-મોનસૂન કામગીરી પર સવાલો ઉઠાવ્યા..