Hun Toh Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે
રાજકોટ શહેરમાં રખડતા પશુઓને પકડવાની મહાનગરપાલિકાની કામગીરી દરમિયાન પશુપાલકોએ દાદાગીરી કરી હતી. મેંગો માર્કેટ પાસે મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓએ પકડેલા પાંચ જેટલા પશુઓને આશરે 20થી 25 જેટલા લોકોનું ટોળુ જબરદસ્તીથી છોડાવી ગયું હતું. પોલીસ અને વિજિલન્સ સ્ટાફની હાજરીમાં જ પશુપાલકો દાદાગીરી કરીને પશુઓને છોડાવી ગયા હતા. વીડિયો વાયરલ થતા હાલ મહાનગરપાલિકાએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે પ્રતિક્રિયા આપી કે માલધારીઓ જબરદસ્તીથી રખડતા ઢોરને છોડાવી ગયા છે. જે જરાપણ યોગ્ય નથી. નિયમ મુજબ કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. કોઈપણ વ્યક્તિ મહાનગરપાલિકાની કામગીરીમાં અડચણ ઉભી કરે તે ચલાવી લેવામાં ન આવે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા છે.





















