Ahmedabad News: અમદાવાદ પોલીસે નાઈજીરીયન ગેંગ સાથે જોડાયેલા પાંચ ઠગબાજની ધરપકડ કરી
અમદાવાદ પોલીસે નાઈજીરીયન ગેંગ સાથે જોડાયેલા પાંચ ઠગબાજની ધરપકડ કરી છે. આરોપીઓ આફ્રિકામાં મેલેરિયા- ડેન્ગ્યૂમાં વપરાતી દવા ઓછા ભાવે ખરીદી વધુ ભાવે વેચવાની લાલચ આપી લોકોને છેતરતા હતાં. મણિનગર વિસ્તારમાં રહેતા વેપારી મનહાર વમાગે ફરિયાદ નોંધાવી કે આફ્રિકન કંપનીના પ્રતિનિધી તરીકે ઓળખ આપીને કેટલાક લોકોએ તેમનો ઓનલાઈન સંપર્ક કર્યો હતો. તેઓએ હોમિયોપેથીક દવા ખરીદવાની વાત કરી અને ભારતમાં શર્મા એન્ટરપ્રાઈઝ મેન્યુફેકચરિંગનું વેન્ડર તરીકેનું નામ આપ્યું હતું. આરોપીઓએ ફરિયાદીને દવાની ખરીદી માટે પ્રલોભન આપીને પહેલા એક લીટર માટે રૂપિયા 5.52 લાખ રૂપિયા ભરાવ્યા હતા અને નકલી સેમ્પલ મોકલી વિશ્વાસ જીત્યો હતો. બાદમાં આફ્રિકાના વ્યક્તિ પાસે સેમ્પલ એપ્રુવલ કરાવીને વેપારીને મોટો ઓર્ડર મળ્યો હોવાનું કહી વધુ રૂપિયા 27 લાખ એડવાન્સ પેટે ભરાવવા જણાવ્યું, પરંતુ જ્યારે ફરિયાદી રાજસ્થાનના ભીલવાડા સ્થિત બતાવેલ સરનામે પહોંચ્યા ત્યારે ત્યાં આવી કોઈ કંપની અસ્તિત્વમાં ન હોવાનું જણાયું. કુલ રૂ. 32.72 લાખની છેતરપીંડી બાદ ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી.




















