Auto Rickshaw Drivers Protest: CNG ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ
CNG ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો હતો. હાલ મિનિમમ ભાડુ 20 રૂપિયાથી વધારી 30 રૂપિયા કરવા રિક્ષા ચાલકોએ માંગ કરી હતી. રિક્ષા ચાલકોએ ટ્રાન્સપોર્ટ અધિકારી અને વાહન વ્યવહાર મંત્રીને ભાવ વધારવા માટે આવેદનપત્ર આપ્યું હતું. આગામી સમયમાં તેમની માંગ સ્વીકારાવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યના રિક્ષા ચાલકોને ભેગા કરી વિરોધની ચિમકી ઉચ્ચારી હતી. વધતી મોંઘવારી વચ્ચે રિક્ષા ચાલકોના ભાડામાં છેલ્લા ચાર વર્ષથી કોઈ વધારો ન થતા વિરોધ નોંધાવ્યો હતો. ભાવ વધારો નહી કરાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
છેલ્લા 4 વર્ષથી ભાડામાં નથી કરાયો વધારો
CNGના ભાવ વધતા રિક્ષા ચાલકોએ મિનિમમ ભાડું 20થી 30 રૂપિયા કરવા માંગ કરી હતી. રીક્ષા ચાલક એકતા યુનિયને વાહન વ્યવહાર મંત્રીને આ અંગે આવેદન આપ્યું હતું. છેલ્લા 4 વર્ષથી રીક્ષાના ભાડામાં વધારો ન કર્યો હોવાની રજૂઆત કરી હતી અને માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી આપી હતી. રિક્ષા ચાલકોએ કહ્યું હતું કે મિનિમમ ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો ન કરવામાં આવતા ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક વર્ષમાં સીએનજી ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રિક્ષા ભાડામાં વધારો કરવા માટે કલેક્ટર સહિત અનેક જગ્યાએ આવેદનપત્ર આપ્યા છે.



















