Ahmedabad News: ઓનલાઈન પાર્સલ સ્વીકારતા પહેલા સાવધાન! અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 5 આરોપીની કરી ધરપકડ
ઓનલાઈન પાર્સલમાંથી મોંઘી ચીજ વસ્તુ કાઢી નકલી વસ્તુ પેક કરી છેતરપિંડી આચરતી ટોળકીનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો. ઠગ ટોળકી પાસેથી પ્રવાહી મળી આવ્યું, જેને ઈન્જેકશનમાં ભરીને તેઓ પાર્સલને ખોલતા. પોલીસે જ્યારે આરોપીઓને પકડ્યા ત્યારે આરોપીઓએ બે મિનિટમાં પોલીસની હાજરીમાં પાર્સલ ખોલી અસલી વસ્તુ કાઢી પાર્સલને ફરી બંધ કરી દીધું. આરોપીઓ અને તેના મિત્રો વિવિધ આઈડી વડે ખોટા સરનામાં પર ઓનલાઈન ઓર્ડર બુક કરાવતા. જ્યારે પાર્સલ આવે ત્યારે બધા મળીને તેમાંથી અસલી વસ્તુ કાઢી લેતા અને તેની જગ્યાએ નકલી વસ્તુ મુકીને અન્ય આરોપીને આપી દેતા સમગ્ર રેકેટનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક ગ્રાહકે પાર્સલમાં છેડછાડની ફરિયાદ કરી. નવા નરોડામાં આવેલી કુરિયર પાર્સલની કંપની ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મની કંપનીના ઓનલાઇન પાર્સલોની ડિલીવરીનું કામ કરે છે. એક કર્મચારીએ ઓર્ડર કેન્સલ થયો હોવા અંગે અને તેમાં છેડછાડ થવા બાબતે જાણ કરી, જેથી પાર્સલની તપાસ કરાતા તેમાંથી ડુપ્લીકેટ ફોન મળી આવ્યો, ઓનલાઇન સોફ્ટવેરમાં તપાસ કરતા 1.34 લાખનો આઇફોન 17 પ્રો અને અન્ય 1.22 લાખનો ફોન સરદારનગરના સરનામા પર ડિલીવરી કરવાની વિગતો મળી..વધુ તપાસ કરાતા કંપનીમાં કામ કરતા વિશાલ બાવરી આ વસ્તુઓ ડિલીવરી માટે લઇ ગયો હતો, જેથી વિશાલ બાવરીની પૂછપરછ કરતા તેણે છેતરપિંડીનો સ્વીકાર કર્યો.. ક્રાઈમ બ્રાંચે જ્યારે આરોપીઓ પાસે ડેમો કરાવ્યો તો આરોપીઓએ પેટ્રોલ જેવા દેખાતા એક પ્રવાહીને ઈન્જેકશનમાં ભર્યું અને તેની મદદથી બે મિનિટમાં જ પાર્સલ ખોલી બતાવ્યું હતું. જેને જોઈને પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા. આરોપીઓ પાસેથી 8 અસલી અને 25 નકલી ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો..હાલ તો પોલીસે વિશાલ સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ ગેંગમાં સામેલ બે આરોપીની શોધખોળ ચાલી રહી છે..આરોપીઓએ અમદાવાદની સાથે રાજસ્થાન, સુરત અને વડોદરામાં પણ આ રીતે છેતરપિંડી આચરી હતી.























