Ahmedabad Uproar over DJ : અમદાવાદના સરસપુરમાં ડી.જે વગાડવાને લઈ બબાલ
અમદાવાદના સરસપુરના વંદે માતરમ પાર્ટી પ્લોટમાં લગ્નપ્રસંગે ડીજે વગાડવા મુદ્દે પથ્થરમારો થયો. રાત્રે લગ્ન પ્રસંગમાં ગીતો વાગતા આસપાસના લોકો પહોંચ્યા અને ગીતો બંધ કરવાનું કહીને ઝપાઝપી કરી. આ દરમિયાન બંને પક્ષે સામ સામે મારામારી થઈ. મામલો ઉગ્ર બનતા પથ્થરમારો પણ થયો. પોલીસે બંને પક્ષે સામે ફરિયાદ નોંધી 7 આરોપીની અટકાયત પણ કરી હતી. તો બીજી તરફ આજે પોલીસ સ્ટેશનમાં પરિવારના સભ્યો અને VHPના કાર્યકરો ધરણા પર બેઠા. મહિલાઓએ પોલીસ હાય હાયના બેનર સાથે વિરોધ કર્યો.ગઈકાલે એક યુવતીના લગ્ન હતા, જેમાં ઊંચા અવાજે ડીજે વાગી રહ્યું હતું. ત્યારે આસપાસના સ્થાનિકો પૈકી કેટલાક લોકો પાર્ટી પ્લોટ બહાર આવ્યા હતા અને ધીમે ગીતો વગાડવા કહ્યું. જે બાબતે બંને જૂથના લોકો વચ્ચે ઝપાઝપી થઈ. ઉશ્કેરાયેલા ટોળાએ મારામારી કરી પાર્ટી પ્લોટની બહાર પડેલા વાહનોમાં તોડફોડ કરી હતી.મામલો વધુ ઉગ્ર બનતા કેટલાક લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. સ્થાનિકો અનુસાર કેટલાક લોકો તલવાર લઈને પણ ત્યાં પહોંચ્યા હતા.





















