Gandhinagar News: રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓની સુધરી દિવાળી, મુખ્યમંત્રીએ બોનસની કરી જાહેરાત
ગુજરાત રાજ્ય સરકારે આગામી દિવાળીના તહેવારો ને ધ્યાનમાં રાખીને વર્ગ-4 ના કર્મચારીઓ માટે એક મહત્ત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કર્મચારીઓ તહેવારોની ઉજવણી ઉત્સાહપૂર્વક કરી શકે તે માટે ₹7,000 (સાત હજાર રૂપિયા) ની મહત્તમ મર્યાદામાં એડહોક બોનસ આપવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી અંદાજે 16,921 કર્મચારીઓને સીધો લાભ મળશે. આ બોનસનો લાભ માત્ર રાજ્ય સરકારના મહેકમ પરના કર્મચારીઓ જ નહીં, પરંતુ વિધાનસભાના અધ્યક્ષ, દંડક, પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ અને કોલેજો તેમજ જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચૂકવવામાં આવતું નથી, તેવા તમામ વર્ગ-4ના કર્મચારીઓને મળવાપાત્ર થશે. આર્થિક રાહત આપતો આ નિર્ણય કર્મચારીઓના જીવનમાં તહેવારની ખુશીઓમાં વધારો કરશે.



















