Local Body Election Result 2026 : 33 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો

Local Body Election Result 2026 : 33 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો

Gujarat District Panchayat Results 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોનું ચિત્ર હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. ખાસ કરીને જિલ્લા પંચાયતોની વાત કરીએ તો, કુલ 1090 બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવતા 34 માંથી 33 જિલ્લા પંચાયતોમાં બહુમતી મેળવીને કેસરિયો લહેરાવી દીધો છે. પરંતુ આ ચૂંટણીનો સૌથી મોટો ઉલટફેર નર્મદામાં જોવા મળ્યો છે, જ્યાં 1 જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી (AAP) ના ફાળે ગઈ છે અને કોંગ્રેસની હાલત તો આખા રાજ્યમાં ખૂબ જ કફોડી બની ગઈ છે. ચાલો ઝોન વાઇઝ જાણીએ કે ક્યાં કોને કેટલી બેઠકો મળી અને કેવો રહ્યો જનતાનો મિજાજ.

સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનની વાત કરીએ તો, અહીં ગામેગામ ભાજપનો પૂરો દબદબો જોવા મળ્યો છે. પોરબંદરની તમામ 18 અને બોટાદની તમામ 20 બેઠકો ભાજપે કબ્જે કરીને ક્લીન સ્વીપ કર્યું છે. આ ઉપરાંત કચ્છમાં 38 માંથી 34, રાજકોટમાં 36 માંથી 34, અને ભાવનગરમાં 40 માંથી 35 બેઠકો સાથે ભાજપે ભવ્ય જીત મેળવી છે. જોકે, જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ 7 બેઠકો જીતીને સૌને ચોંકાવી દીધા છે. અમરેલી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જેવી જગ્યાએ પણ 'આપ'એ પોતાનું ખાતું ખોલાવ્યું છે, જ્યારે કોંગ્રેસ ગીર સોમનાથમાં 6 અને મોરબીમાં 7 બેઠકો પૂરતી જ સીમિત રહી ગઈ છે.

દક્ષિણ અને ઉત્તર ગુજરાતના આંકડા પર નજર કરીએ તો, સુરતમાં 36 માંથી 35 બેઠકો જીતીને ભાજપે વિપક્ષને સાફ કરી દીધો છે. વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં પણ કમળ જ ખીલ્યું છે, જોકે તાપીમાં કોંગ્રેસને 8 બેઠકો ચોક્કસ મળી છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા (48 માંથી 32), પાટણ (32 માંથી 19) અને અરવલ્લી (30 માંથી 18) માં કોંગ્રેસે થોડી ટક્કર આપી છે, પણ સત્તા તો છેવટે ભાજપના જ હાથમાં રહી છે. મહેસાણા (42 માંથી 38), ગાંધીનગર અને વાવ-થરાદમાં પણ ભાજપે જંગી બહુમતી મેળવી લીધી છે.

મધ્ય ગુજરાતના પરિણામો આ ચૂંટણીમાં સૌથી વધુ રસપ્રદ રહ્યા છે. અહીં નર્મદા જિલ્લા પંચાયતની 22 માંથી 15 બેઠકો જીતીને 'આપ'એ સીધી સત્તા કબ્જે કરી લીધી છે, જ્યારે ભાજપને અહીં માત્ર 7 બેઠકો મળી છે. આ ઉપરાંત છોટા ઉદેપુરમાં પણ 'આપ'એ 13 બેઠકો જીતીને ભાજપ (19 બેઠકો) ને જોરદાર ટક્કર આપી છે. દાહોદ અને ભરૂચમાં પણ 'આપ'એ અનુક્રમે 6 અને 5 બેઠકો જીતીને પોતાનો પગપેસારો કર્યો છે. આ સિવાયના અમદાવાદ (34 માંથી 32), વડોદરા (34 માંથી 32), ખેડા, આણંદ, પંચમહાલ અને મહીસાગર જેવા જિલ્લાઓમાં ભાજપે એકતરફી જીત મેળવીને કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola