Anand News: ડંકી રૂટથી અમેરિકા જતા આણંદના યુવક-યુવતીના અપહરણનો કેસમાં 3 એજન્ટોની ધરપકડ
ડંકી રૂટથી અમેરિકા જતા આણંદના યુવક-યુવતીના અપહરણના કેસમાં પોલીસે મુંબઈના ત્રણ એજન્ટોની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આણંદના વાસદ ગામની યુવતી અને ઝાંખરીયા ગામનો યુવક ડંકી રૂટથી અમેરિકા જવા નીકળ્યા હતાં. મુંબઈના કેટલાક એજન્ટોએ તેમને અમેરિકા પહોંચાડવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જે 1 ફેબ્રુઆરીના અઝરબૈજાનના બાકુ પહોંચ્યા હતાં. જ્યાં બંનેનું અપહરણ કરી એક મકાનમાં ગોંધી રાખ્યા હતાં. જ્યાં યુવક- યુવતીને ત્રાસ અપાતો હતો. આટલું જ નહીં બંનેની કિડની અને આંખો સહિતના અંગો કાઢી વેચી દેવાની ધમકી અપાઈ હતી. બંને ભોગ બનનારને વીડિયો કોલથી ત્રાસ આપતા બતાવીને પરિવાર પાસેથી 65 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. જેથી પરિવારે આણંદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને લોકલ ક્રાઈમબ્રાંચને તપાસ સોંપાઈ હતી. પોલીસે તપાસ કરતાં મુંબઈના મમતા ગાવિત, કેતન સોની અને ડેનિયલ બાપીસ્ટ મોન્ટેરોની સંડોવણી ખૂલતા ત્રણેયની મુંબઈથી ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.





















