CM Bhupendra Patel: CMનો મહત્વનો નિર્ણય, શહેરોના વિકાસ માટે 1203 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત@2047ના વિઝનથી વિકસિત ભારત@2047 માટે રાજ્યને અગ્રેસર રાખવાની નેમ સાથે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ માટે 1202.75 કરોડ રૂપિયાના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્ય સરકારે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે શહેરોમાં સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુખાકારી સુવિધાઓથી નાગરિકોના ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’ને સાકાર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓની રચના કરી છે. એટલું જ નહિં, આ નવરચિત મહાનગરપાલિકાઓ સહિત રાજ્યના નગરો-શહેરોમાં લોકહિતના કામોને પણ વેગવંતા બનાવ્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આવા કામો માટે નાણાં ફાળવણીના ઉદાત્ત અભિગમને આગળ ધપાવતાં મુખ્યમંત્રીએ આ રૂ. 1202.75 કરોડના વિકાસ કામોની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.



















