Sthanik Swaraj Election : અમરેલીમાં ચાવંડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટર ફાટતા વિવાદ
અમરેલીની જિલ્લામાં પોસ્ટર ફાડવા મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ છે..લાઠી તાલુકાની ચાવંડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પરિવારજનો પર કૉંગ્રેસે આરોપો લગાવ્યા..ચાવંડ બેઠક પરથી ભાજપ તરફથી જિલ્લા ભાજપ અગ્રણી જીતુ ડેરના પુત્રવધૂ અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરી સોનલબેન ડેર ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસ પક્ષે વડીલ ઉમેદવાર શાંતુબેન ડેરને મેદાનમાં ઉતાર્યા છે. કૉંગ્રેસનો આરોપ છે કે, ચાવંડ પોલીસ ચોકીથી માત્ર 50 મીટરના અંતરે આવેલા વિસ્તારમાં રાત્રિના સમયે કોંગ્રેસના ઉમેદવાર શાંતુબેન ડેરના પોસ્ટરો અજાણ્યા શખ્સો દ્વારા ફાડી નાખવામાં આવ્યા.. કોંગ્રેસનો આરોપ છે કે શાંતુબેનના કાર્યાલયનું ઉદ્ઘાટન થાય તે પૂર્વે આ તોડફોડ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ મહિલા નેતા જેની ઠુંમર અનુસાર, માયાભાઈ આહીરના પરિવારજનોએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારના પોસ્ટર ફાડી નાખ્યા.. કોંગ્રેસના ઉમેદવારને ઉમેદવારી પરત ખેંચાવવા માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં સફળતા ન મળતા હવે આ પ્રકારની તોડફોડ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે કોંગ્રેસે પોલીસમાં લેખિત અરજી આપી અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી.. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ જીતવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી રહ્યું છે અને વિપક્ષના ઉમેદવારોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
















