Marriage Registration New Rule: રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો અંગે નાયબ મુખ્યમંત્રીની જાહેરાત
ગુજરાત વિધાનસભામાં આજે મહત્વનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યંત સંવેદનશીલ અને સામાજિક મહત્વ ધરાવતા નિર્ણય લગ્ન નોંધણીના મુદ્દાને લઇને મોટી જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર 'ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2006' ના નિયમોમાં ધરખમ સુધારો રજૂ કર્યો હતો. આ સુધારો લાવવાનો હેતુ પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે.
આજે વિધાનસભા ગૃહમાં ભાગેડુ લગ્ન નોંધણીના નવા નિયમોમાં સુધારો રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રજૂઆત કરતાં કહ્યું કે, નિયમ 44 અંતર્ગત નવા નિયમો આવશે. 30 દિવસ સુધી નિયમોમાં સૂચન કે વાંધા રજૂ કરી શકાશે. લગ્ન નોંધણી અંગે આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગની વેબસાઈટ પર સૂચન કે વાંધા રજૂ કરી શકાશે, સાથે સાથે સૂચનો, વાંધા સાંભળવા માટે એક કમિટી પણ બનાવાઈ છે. પ્રેમ એ દુનિયા સૌથી મોટો પવિત્ર સંબંધ છે, જેથી કરીને આ પવિત્ર પ્રેમના સંબંધને છળ, કપટથી બદનામ કરવાનો પ્રયાસ કરશે તો સરકાર છોડશે નહીં. પ્રેમના નામે પરિવારને બરબાદ કરવાનું કામ કરશે એવા તત્વોને છોડવામાં નહીં આવે. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, લગ્નમાં છળ કપટ કરનારાઓના એવો હાલ કરીશું કે જીવનમાં કોઈ દીકરી સામે આંખ ઉંચી કરીને નહીં જોઈ શકે. ભોળી દીકરીને સલીમ સુરેશ બનીને લાગણીને ઠેસ પહોંચાડશે તો ખેર નહીં.


















